Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

ઘડીક પછી શું થવાનું છે કયાં કોઇને ખબર છે? સાવરકુંડલામાં અમદાવાદનાં પટેલ આધેડનું હાર્ટ-એટેકથી મોત

સેવાભાવી યુવાનોએ હોસ્પિટલે પહોંચાડયા-સામાન પટેલ સમાજના આગેવાનોને સોંપ્યો

સાવરકુંડલા તા.૨૦: 'ઘડીના છઠ્ઠા ભાગમાં શું થવાનું છે તે કોઇ જાણતું નથી' કહેવત સાચી પાડતો દુઃખદ બનાવ સાવરકુંડલા ખાતે આજે સવારે બની ગયો.

મહુવા રોડ ઉપર અમદાવાદના બાપુનગરનાં રહેવાસી પટેલ આઘેડ વાસુદેવભાઇ લાખાભાઇ ઉ.વ.આશરે ૫૭ ખભે મોટો કાળો થેલો લઇ પગપાળા જઇ રહયા હતા, સાજા-સારા પટેલ આઘેડ એકાએક જ ઢળી પડતા ત્યાંથી પસાર થતા રાહદારીઓએ અને સેવાભાવી યુવાનોએ તેમને તાત્કાલીક સાવરકુંડલા સિવિલ હોસ્પિટલે પહોંચાડયા હતા, પરંતુ હોસ્પિટલે પહોંચતા જ આઘેડે છેલ્લા શ્વાસ લઇ લીધા હતા.

સેવાભાવી યુવાનો એ વાસુદેવભાઇ પટેલને સારવાર માટે હોસ્પિટલે ખસેડેલ પરંતુ ત્યાં તેમનું નિધન થતા સેવાભાવી યુવાનો પણ થોડી મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા, મૃતકની સાથે રહેલા થેલામાં તેમની ઓળખ મળે તે હેતુથી તપાસ કરતા મૃતક અમદાવાદના બાપુનગરમાં રહેતા પટેલ વાસુદેવભાઇ લીંબાભાઇના નામનાં ભાડાખત-રેશનકાર્ડ શ્રીજી વિદ્યાલય-બાપુનગરનું લીવીંગ સર્ટી-બેન્ક ઓફ બરોડાની બે પાસબુક ચેકબુક,બે એ.ટી.એમ. કાર્ડ વગેરે મળી આવ્યાહતા.

જોકે વાસુદેવભાઇ મરણ પામ્યા હોયતેના સગા-સબંધીની શોધ કરવા માટે સરદાર પટેલ સોશ્યલ ગૃપના મંત્રી જયસુખભાઇ નાકરાણીને બોલાવી મૃતક આઘેડ સાથે રહેલા થેલાની ચિજવસ્તુઓની સોંપણી કરી હતી જયસુખભાઇ નાકરાણીએ હિયાવડલી ખાતે રહેતા મૃતક ભાણેજનો સંપર્ક કરી સાવરકુંડલા શહેર પોલીસ મથકે બોલાવી હકીકતથી વાકેફ કર્યા હતા, રસ્તે ચાલીને જતા પટેલ આઘેડ એકાએક પડી જતા દિલાવરખાન પઠાણ, સમીરભાઇ ખોખર, અજયભાઇ દાફડા વગેરે મિત્રોએ તાત્કાલીક હોસ્પિટલે પહોંચાડયા હતા અને માનવતાનાં દર્શન કરાવ્યા હતા.

(1:47 pm IST)