Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

સુરેન્દ્રનગરના નાગડકામાં પશુબલી અટકાવાઈઃ ૮ જીવ બચ્યા

વાલ્મીકી સમાજના પરિવારે ૧૫ બોકળાની માનતા રાખી'તીઃ વિજ્ઞાન જાથાનો ૧૧૫૬મો પર્દાફાશ : ૬ બોકળા અને ૨ ઘેટાને પાંજરાપોળ મોકલી દેવાયાઃ ભુવા મુળજી વાઘેલા અને વિના કાબાભાઈએ  કાયમી પશુબલી બંધની જાહેરાત કરી

રાજકોટઃ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નાગડકા ગામે વાલ્મીકી સમાજના માતાજીના મઢે સમાજના પરિવારોએ માંડવો રાખી માનતાના ૧૫ પશુઓ એકત્ર કર્યા હતા. જેમાં જ્ઞાતિના બે ભુવાઓએ પશુબલી માટે ૬ બોકળા ૨ ઘેટાની મંજુરી માતાજી પાસેથી મેળવી લીધી હતી. બાાકીના સાત બોકળા પરિવારોને પરત કર્યા હતા. પશુબલીની ઘડીએ ભારત જન વિજ્ઞાન જાથાની ટીમ તથા સાયલા પોલીસ પહોંચતા ૮ જીવને બચાવીને પાંજરાપોળ મોકલી આપતા માંડવામાં દોડધામ મચી પડી હતી. બંને ભુવાની અટકાયત કરતા કાયમી પશુબલી બંધની જાહેરાત કરી દીધી હતી. જાથાનો ૧૧૫૬મો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની મદદથી સફળ પર્દાફાશ થયો હતો.

બનાવની વિગત પ્રમાણે વાલ્મીકી સમાજના જાગૃત પરિવારે ટેલીફોનિક માહિતીમાં જણાવ્યું કે સાયલાના નાગડકા ગામે પરિવારનો માતાજીનો મઢ આવેલો છે જેમાં તા.૧૯મી નવેમ્બર સવારે ૪ થી ૭ દરમ્યાન માનતાના ૧૫ પશુઓની બલી ચઢાવવામાં આવશે.

જાથાના ચેરમેન જયંત પંડ્યાએ માહિતીના આધારે નિર્ભય જોશી અને અંકલેશ ગોહિલને વેશપલ્ટો કરી માંડવાના સ્થળે મોકલી દીધા હતા. મોડી રાત સુધી ડાક- મંજીરા વાળા સાથે ધૂણવાવાળાએ રમઝટ બોલાવી પશુબલીનો માહોલ બનાવી દીધો હતો. જાથાએ રાજયના ઉચ્ચ અધિકારી, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા, લીંબડી ડી.વાય.એસ.પી.ને ફેકસ કરી પશુબલીની જાણ કરી ગુન્હો બનતો અટકાવવા જાથા સાથે પોલીસ બંદોબસ્તની માંગણી કરી હતી. જિલ્લા પોલીસ વડાની સુચનાથી પશુબલી અટકાવવા સાયલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.બી.એસ. સોલંકી સહિત ૫ પોલીસ કર્મીઓ ફાળવી દીધા હતા. માંડવો પુરો થયા બાદ બંને ભુવા સમક્ષ બોકળા- ઘેટા લાવવામાં આવ્યા હતા. તેમાં માતાજીએ ૬ બોકળા ૨ ઘેંટાની મંજૂરી આપી હતી. ૭ બોકળા જે તે પરિવારને પરત આપતા તુરંત સગેવગે કરી નાખ્યા હતા. બંને ભુવાએ પાટમાં દાણા નાખતા વાર લાગતી હતી. અમુક પરિવારોને પશુબલીની પ્રસાદમાં રસ હોય તેવું લાગતું હતું.

પોલીસ અને જાથાની ટીમ ઘટના સ્થળથી અડધા કિલોમીટર દૂર સંદેશાની પ્રતિક્ષા કરતાં તેવામાં કાપવાની મંજુરી માતાજીએ આપી દીધી છે તેવું ભુવાએ કહેતા ટીમ પહોંચી ગઈ હતી. અફડાતફડી મચી ગઈ.

નાગડકાના સ્થાપિત ભુવા મુળજીભાઈ ખુશાલભાઈ વાઘેલા, ભુવા પઢિયાર વિનાભાઈ કાબાભાઈના કહેવાથી પશુબલી કરવાની હોય પોલીસ વાનમાં બેસાડી પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા. બંને ભુવા મુળજી વાઘેલા, ભુવા વિના કાબાભાઈએ માફી પત્ર આપી આજથી કાયમી પશુબલી બંધને જાહેરાત કરી દીધી હતી. પી.એસ.આઈ.સોલંકીએ કાયદાની ભાષામાં વાત કરી હતી.

ભુવાના પર્દાફાશમાં જાથાના જયંત પંડ્યા સાથે નિર્ભય જોશી, વિનુભાઈ ઉપાધ્યાય, અંકલેશ ગોહિલ, ડાયભાઈ, સ્થાનિક કાર્યકરો ઉપરાંત સાયલા પી.એસ. આઈ.બી.એસ.સોલંકી, એ.એસ.આઈ. વિનુભાઈ માણસીભાઈ, હેડ કોન્સ્ટે. દોલાભાઈ વેલાભાઈ, હયાતખાન ઉંમરખાન, પો.કોન્સ્ટે.રવિરાજસિંહ ગિરીરાજસિંહએ ઉત્તમ કામગીરી બજાવી હતી. રાજયમાં પશુબલીની ઘટના સંબંધી માહિતી મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(1:44 pm IST)