Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

જેલ કેદીઓના ભજીયાનો જાદુ, સોમનાથ મેળામાં પણ છવાયો

ન હતી હાથકડી કે ન હતો પોલીસનો પહેરોઃ ખૂંખાર કેદીઓ કાર્તિકી મેળામાં અનોખા રૂપમાં જોવા મળ્યા : યાત્રિકોની ડાઢે સ્વાદ વળગી ગ્યોઃ જેલવડા મોહન ઝાના માર્ગદર્શન તથા રાજકોટ જેલ સુપ્રિ. ધર્મેન્દ્ર શર્માના સુપરવીઝનમાં અનોખું અભિયાન

પ્રભાસ-પાટણ તા. ૨૦: સોમનાથ મહાદેવ કાર્તિક પૂર્ણિમા મેળાનું ખાસ આકર્ષણ હોય છે. સાબરમતી જેલના કેદીઓ દ્વારા બનાવાતા ગરમા ગરમ ચટાકેદાર ભજીયાનો સ્ટોલ..

રાજય અધિક પોલીસ મહાનિર્દેશક મોહન ઝા ના તેમજ રાજકોટ સેન્ટ્રલ જેલ સુપ્રી. ધર્મેન્દ્ર શર્માના માર્ગદર્શન હેઠળ સોમનાથ મેળા ખાતે જેલ ફેકટરી મેનેજર એ.એસ. પરમારની દેખરેખ હેઠળ સેન્ટ્રલ જેલમાં પાકા કામની સજા ભોગવતા ૯ કેદીઓ આ પ્રેરક અભિનવ પ્રયોગમાં ભાગ લઇ રહયાં છે.

શુદ્ધ-સ્વચ્છતા-સારૂ તેલ, ચણાનો લોટ વેસણ-મેથી-મરી-ધાણાજીરૂ સાથેના મસાલાથી સ્વાદ પ્રચુર ખાવામાં દાઢે વળગે એવા ગરમા ગરમ ભજીયા લોકોને આંગળી ચાટતા કરી દીધા છે. ૧૫૦ રૂપિયે કિલોના ભાવે રૂપિયા પંદરથી માંડી જેમને જેટલા વજનના જોઇએ તેટલાં ભજીયા સ્ટોલ ખાતે આપવામાં આવે છે.

સ્ટોલ ખાતે વેચાણ કરતા કે તેલની કડાઇમાં ભજીયાં તળતા કે ઝીણી-ઝીણી મેથીની ભાજી અને ધાણા બનાવી મરી-મસાલા નાખતા આ કેદીઓમાંના કેટલાક હત્યા કે મોટા બનાવ કે આજીવન કેદની સજા ભોગવતા હોય છે પરંતુ મુકત હોવા છતાં, હાથકડી ન હોવા છતાં એકપણ કેદી ભાગતો નથી અને ભજીયા હાઉસ ફરજ વફાદારીથી બજાવે છે.

પ્રારંભ કઇ રીતે થયો?

૧૯૯૭માં અમદાવાદમાં યોજાયેલ એન.જી. મેઇકાથી જેલવાસીઓને સ્વાવલંબન બનાવવા માટે આ પ્રવૃતિનો પ્રારંભ થયો અને ૧૮-૨-૯૮ના રોજ અમદાવાદના સુભાષબ્રીજ ખાતે પ્રથમ ભજીયા હાઉસ ખોલાયું આજે પણ લોકો તેને ભજીયા બ્રીજ તરીકે ઓળખે છે અને અમદાવાદથી વિદેશ પ્લેનમાં જતા આ સ્વાદિષ્ટ ભજીયાની મોજ માણે છે.

જેઇલ ફેફટરી મેનેજર.એસ. પરમાર કહે છે કે અમારા જેલ સુપ્રી. ધર્મેન્દ્ર શર્મા રાજય સરકાર અને અમારો પ્રયત્ન એ હોય છે કે ''કેદી જયારે જેલમાંથી સજા મુકત થાય ત્યાર પછી સ્વાભિમાન અને સન્માનપૂર્વક સમાજમાં આર્થિક સ્વાવલંબનથી પ્રસ્થાપિત થઇ ભારતના સારા નાગરિક તરીકે સમાજના પ્રવાહમાં પુનઃ કાર્યરત બને તેવી આ પ્રોજેકટ પાછળની ભાવના છે.

મેળામાં સ્ટોલમાં લઇ અવાતા કેદીઓની પસંદગી અંગે તેઓ કહે છે કે જે કેદી ફર્લો -પેરોલ ઉપર જઇ ઇમાનદારીથી સમયસર હાજર રહેતો હોય-વોન્ટેડ ન થયો હોય અને વર્તન-ચાલચલગત સારી હોય અને જેલવાસ દરમ્યાન ગેરશિસ્તનો એકપણ બનાવ ન નોંધાયો હોય તેની પસંદગી કરાય છે, તેમજ અડધી સજા ૫૦ ટકા ભરી દીધી હોય અને તેના ઉપર ભરોસો હોય તે પણ જોવાય છે.

સાબરમતી જેલ ભજીયા સ્ટોલ કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી, રાજકોટ કાલાવડ રોડ, જી.આઇ.ડી.સી., નવરાત્રી ગ્રાઉન્ડ, અમદાવાદ કાંકરીયા કાર્નિવલ સહિતમાં ભાગ લીધો છે અથવા કાર્યરત છે.

રાજકોટ ભજીયા હાઉસ શિયાળામાં અડદીયાનું પણ વેંચાણ કરે છે.

સોમનાથ મેળામાં જેલતંત્ર તરફથી ૧૦નો સ્ટાફ કાર્યરત છે જેમાં ફેકટરી મેનેજર-૧, સુબેદાર-૧, ૩ હવાલદાર, ૩ સિપાઇ, ૧ વીવીંગ આસી., ૧ ડ્રાઇવરનો સમાવેશ થાય છે.

(11:43 am IST)