Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

ગારીયાધારના સુરનગર ગામે મોક્ષધામમાં પાંચ વૃક્ષના છોડ સાથે પંચપ્લવ યજ્ઞ યોજાયો

સુરનગરનાં વ્યાસદાદા અને તેમની કમિટીનાં સભ્યોની મહેનત રંગ લાવી

ગારીયાધાર તા.૨૦: ગારીયાધારના સુરનગર ગામ ખાતે રપ વર્ષથી ગામના જ વૃદ્ધો દ્વારા હાથ ધરાયેલું ભગીરથ કાર્ય આજે સૌ કોઇ યુવાનોની કામગીરીને લલકારી રહી છે જયાં આગળ પ્રકૃતિનું જતન, જનસુખાકારી માટે થતાં યજ્ઞ અને સમગ્ર ગામનુ઼ નજરાણું બન્યું છે.

સુરનગર ગામ ખાતે દેવ દિવાળીના શુભ દિવસે ગામના મોક્ષધામ ખાતે પંચ પલ્વ યજ્ઞ કરી દેવસ્થાનનું નિર્માણ પામ્યું છે. જે મોક્ષધામમાં પાંચ વૃક્ષોનો કુંડ બનાવી જેને પંચદેવ બનાવીને જેની સમક્ષ પંચપલ્વ યજ્ઞ કરી આ સ્મશાનને મોક્ષધામ બનાવનારા સૌ વૃદ્ધોની જહેમતને બીરદાવવી પડે તેમ છે.

અહિં પોતાની નિવૃતિ આપનારા હિંમતદાદા વ્યાસે પોતાનું તન, મન, ધન ન્યોછાવર કરી રપ વર્ષથી વૃક્ષો વાવી, સ્મશાનને પ્રકૃતિમય બનાવી ખુબ સુંદર કામગીરીથી સેવા આપી છે જેના સાથ-સહકારમાં ગામના નિવૃત બાબુભાઇ માંગુકીયા, મગનભાઇ અને બારેયાદાદા સહિતના વૃદ્ધો જોડાયા અને આ સ્મશાનને મોક્ષધામ બનાવવામાં સફળ થયા છે. પાણીનું પરબ, બાકડાઓ, ચબુતરો, વગડામાં પેવિંગ બ્લોક અને ૧૦૦ કરતા વધારે વૃક્ષો વાવીને તેનો ઉછેર કર્યો છે. જયાં આગળ આજ-રોજ પંચપલ્વ યજ્ઞ કરી મંદિરનું નિર્માણ કરી સુંદર કાર્યક્રમ યોજાયો છે. જે કાર્યક્રમમાં સુરત ડાયમંડ એસોસીએશનનાં પ્રમુખ બાબુભાઇ ગુજરાતી, ધારાસભ્ય કેશુભાઇ નાકરાણી, ભુપતભાઇ મહેતા, રામજીદાદા નાવડીયા, સરપંચ હિરાબેન સહિત તમામ ગ્રામજનો હાજર રહયા હતા.

જે કાર્યક્રમમાં મોક્ષધામમાં સિંહફાળો આપનારા હિંમતદાદા અને આમંત્રીત મહેમાનો દ્વારા કમિટીના સદસ્યોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં હાજર ધારાસભ્ય કેશુભાઇ નાકરાણી અને હિંમતદાદા દ્વારા મોક્ષધામ વિશે પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું.

(12:14 pm IST)