Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

આગામી વર્ષે પરિક્રમાનો વિધિવત પ્રારંભ ત્રણ દિવસ વ્‍હેલો થશે

મધરાતે ગિરનાર પરિક્રમાના વિધિવત પ્રારંભ પ્રસંગે સંતોની જાહેરાત : શનિવારથી શરૂ થયેલી આગોતરી પરિક્રમાનો મૃત્‍યુ આંક ૬ થયો : ૧૦ લાખથી વધુ ભાવિકોએ નળપાણીની કપરી ઘોડી વટાવી

જુનાગઢ, તા. ર૦ : આગામી વર્ષે પરિક્રમાનો વિધિવત પ્રારંભ ત્રણ દિવસ વ્‍હેલો થશે તેવી જાહેરાત સંતોએ મધરાતે ભવનાથ ખાતેથી ગિરનાર પરિક્રમાનો વિધિવત પ્રારંભ કરાવતા કરી હતી.

દર વર્ષે દેવઉઠી અગિયારસથી યોજાતી ગરવા ગિરનાર ફકતેની ૩૬ કિમીની લીલી પરિક્રમાનો મધરાતે ભવનાથમાં ઇટવા-રૂપાયતન ખાતેથી સંતો વગેરેએ પ્રારંભ કરાવ્‍યો હતો.

આ પ્રસંગે રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંતશ્રી ઇન્‍દ્રભારતીજી મહાદેવગીરીજી, વૈદ્યનાથજી સહિતના સંતો ઉપરાંત કલેકટર ડો. સૌરભ પારધી, મ્‍યુનિ. કમિશ્નર પ્રકાશ સોલંકી, મેયર આદ્યશકિતબેન મજમુદાર, ડે. મેયર ગિરીશભાઇ કોટેચા, આસી. કમિશ્નર પ્રફુલ કનેરીયા, મહિલા અગ્રણી ગીતાબેન કોટેચા વગેરેએ આતશબાજી વચ્‍ચે વૈદિક મંત્રોચ્‍ચાર અને જય ગિરનારીના બાદ સાથે ‘ભાવિકોને પરિક્રમાના માર્ગે પ્રસ્‍થાન કરાવ્‍યું હતું.'

આ વર્ષે શનિવારે એટલે કે વિધિવત પ્રારંભ પ્રારંભના બે દિવસ અગાઉથી વન વિભાગ દ્વારા પરિક્રમા શરૂ કરી દેવામાં આવી હોય મોટા ભાગના યાત્રિકો પરિક્રમા પૂર્ણ કરીને પરત ફરી ગયા છે. આથી આગામી વર્ષથી પરિક્રમાનો વિધિવત પ્રારંભ વ્‍હેલો કરાવવાનો નિર્ણય કર્યો છે.

મહંતશ્રી ઇન્‍દ્રભારતીજીએ જણાવેલ કે, દર વખતે લાખો ભાવિકો વિધિવત પરિક્રમા શરૂ થાય તે પહેલા જ પરિક્રમા પૂરી નાંખે છે આથી વિધિવત પ્રારંભ માત્ર ઔપચારિકતા જ બની રહે છે. આથી આગામી વર્ષથી અમે ત્રણ દિવસ અગાઉ વિધિવત ગિરનાર પરિક્રમાનો પ્રારંભ કરાવવાનું નક્કી કર્યું છે. આ માટે તંત્ર સાથે સંકલન પણ સાધવામાં આવશે તેમ શ્રી ઇન્‍દ્રભારતીજીએ જણાવ્‍યું હતું.

દરમ્‍યાનમાં પરિક્રમાનો મૃત્‍યુ આંક વધીને છ ઉપર પહોંચી ગયો છે.

ગઇકાલે વેરાવળના રાધિકાબેન જેઠાભાઇ ફોફંડી (ઉ.૧૮), વંથીલના બંધડા ગામના દેવશીભાઇ નારણભાઇ વાઢેર (ઉ.વ.૬૦) અને મહારાષ્‍ટ્રના નેમકુમાર મોહનલાલ જૈન (ઉ.વ.૬પ)નું પરિક્રમા દરમ્‍યાન રૂટ પર મૃત્‍યુ નિપજતા પરિક્રમાર્થીઓનો મૃત્‍યુ આંક છ થતા ગમગીરી વ્‍યાપી ગઇ હતી.

બીજી તરફ ૧૦ લાખથી વધુ ભાવિકોએ નળપાણીની ઘોડી વટાવી લીધી છે. હવે ભવનાથ જવાના ટ્રાફીકને બદલે તળેટીથી આવવાનો ટ્રાફિક ગઇકાલથી વધ્‍યો છે.

સાત લાખ પરિક્રમાર્થીઓ પૂણ્‍યનું બાંધીને પોત-પોતાના ઘરે પહોંચી ગયા છે. ગત વર્ષે ૮,૬પ,૮ર૩ યાત્રિકો પરિક્રમામાં જોડાયા હતાં. જયારે આ વર્ષે ભાવિકોની સંખ્‍ય વધીને ૧ર લાખ ઉપર થવાની શકયતા નકારી શકાતી નથી.

મધરાતે રવાના થયેલા ભાવિકો આજે પરિક્રમાનું પ્રથમ રાત્રી રોકાણ જીણાબાવાની મઢી ખાતે કરશે. આમ કુલ ૩ રાત્રી રોકાણ હોય છે. જીણાબાવાની મઢી બાદ માળવેલા અને અંતિમ રાત્રી રોકાણ બોરદેવી ખાતે કરીને ભવનાથ પરત આવી પરિક્રમા પૂર્ણ થાય છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી બે દિવસ વહેલી પૂર્ણ થઇ જાય છે.

(11:32 am IST)