Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧,૯૧,૪૮૮ બાળકોનું આરોગ્ય ચકાસાશે

જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં કાર્યક્રમ ધડાયો

દેવભુમિ દ્વારકા તા. ૨૦ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા દર વર્ષે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના નવજાત શિશુથી ૧૮ વર્ષ સુધીના આંગણવાડીના બાળકો, પ્રાથમિક શાળાના બાળકો, નવજાત શિશુથી ૧૮ વર્ષ સુધીના શાળાએ ન જતા બાળકો તથા માધ્યમિક/ઉચ્ચત્ત્।ર માધ્યમિક શાળામાં (ધો.૧ થી ૧૨ માં) અભ્યાસ કરતા તમામ વિધાર્થીઓની આરોગ્ય તપાસ અને સારવાર કરવામાં આવે છે. જે અંતર્ગત કલેકટર કચેરીના સભા ખંડમાં દેવભૂમિ દ્વારકા કલેકરટ જે.આર.ડોડીયાના અધ્યક્ષ સ્થાને મિટીંગ યોજાઇ હતી.

આ બેઠકને સંબોધતા કલેકરટશ્રી જે.આર.ડોડીયાએ જણાવ્યું કે, શાળા આરોગ્ય કાર્યક્રમ આગામી તા.૨૭થી શરૂ થાય છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૧,૯૧,૪૮૮ બાળકોની તપાસણી કરવામાં આવશે. આ તપાસણી દરમિયાન નાની મોટી બિમારી વાળા બાળકોને સંદર્ભ સેવા તથા સુપરસ્પેશ્યાલીસ્ટ સહિતની સારવાર વિનામૂલ્યે આપવામાં આવશે. શાળા આરોગ્ય કાર્યક્રમએ રાજયની ભાવી પેઢીને તંદુરસ્ત બનાવવાનો રાજય સરકારનો ભગીરથ પ્રયાસ છે.

આ બેઠક બાદ આરોગ્ય વિભાગની સંકલન મીટીંગ, તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩, ગવર્નીંગ બોડી (ડી.એચ.એસ.)ની મીટીંગ, તેમજ માતૃ બાળ મરણ સમિક્ષા બેઠક પણ કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.

આ મીટીંગમાં જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી સીંગ, શિક્ષણાધિકારીશ્રી ડુમરાણીયા, પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી વાઢેર, w.h.o. ના શ્રી વિનયકુમાર, જનરલ હોસ્પિટલના અધિક્ષકશ્રી કેતન જોશી તેમજ તાલુકા હેલ્થ ઓફીસરશ્રીઓ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

(10:44 am IST)