Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

ઇન્‍સ્‍ટીટયુટ ઓફ કિડની ડિસીઝ એન્‍ડ રીસર્ચ સેન્‍ટરની તબીબોની ટીમના સંશોધન બાદ મોરબીના શિક્ષીકાના કિડની અને સ્‍વાદુપિંડના બેવડા ટ્રાન્‍સપ્‍લાન્‍ટ બાદ જીવન બદલાઇ ગયુ

અમદાવાદ: 35 વર્ષીય ચેતના માટે જીવન ખૂબ જ સંઘર્ષમય હતુ, જેઓ છેલ્લા પાંચ વર્ષથી અઠવાડિયામાં ત્રણ વાર નિયમિત ડાયાલિસીસ કરાવતા હતા. ટાઇપ-1 ડાયાબીટીસ હોવાને કારણે દરરોજ સુગરની માત્રાને જાળવી રાખવા માટે સતત કરાતી તપાસ ચેતનાની પીડામાં ઉમેરો કરતી હતી.

મોરબી જિલ્લાની શિક્ષિકા ચેતના બાળપણથી જ ટાઇપ-1 ડાયાબિટીસ ધરાવે છે, જેના કારણે પાંચ વર્ષ પહેલા કિડની ફેઈલ થઈ હતી. ત્યારથી ચેતના બાહ્ય ઇન્સ્યુલીન અને ડાયાલિસીસ પર હતી. પરંતુ, ગત મહિનામાં ઇન્સ્ટિટયુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર (આઈકેડીઆરસી)ની તબીબોની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા કિડની અને સ્વાદુપિંડના બેવડા ટ્રાન્સપ્લાન્ટ બાદ તેનું જીવન બદલાઈ ગયું છે. દુર્લભ ગણી શકાય એવું આ બેવડું કિડની અને સ્વાદુપિંડનું પ્રત્યારોપણ એક જ વારમાં ડો. જમાલ રીઝવી અને ડૉ. દેવાંશુ પટેલ દ્વારા કરવામાં આવ્યું. જે 7 કલાકથી વધુ સમય માટે ચાલ્યું. સફળ બેવડા પ્રત્યારોપણ બાદ ચેતના હાલ સ્વાસ્થ્ય છે અને આગામી બે અઠવાડિયામાં નવુ જીવન જીવવા માટે તૈયાર છે.

કિડની અને સ્વાદુપિંડનાં બેવડા પ્રત્યારોપણ બાદ હાલ ચેતનાનું જીવન સામાન્ય બની રહ્યું છે. સુગરનું સ્તર નિયંત્રણમાં છે. કિડની સામાન્ય સ્થિતિમાં કામ કરી રહી છે. આ વિશે વધુ માહિતી આપતા આઈકેડીઆરસીના ડોક્ટર જમાલ રીઝવીએ જણાવ્યું કે, કિડીની અને સ્વાદુપિંડના બેવડા પ્રત્યારોપણ બાદ હવે દર્દીના જીવનની ગુણવતામાં સુધારો થયો છે. પ્રત્યારોપિત કરાયેલી કિડની લાંબા સમય સુધી કાર્યરત રહેશે. હાલ કોરોના મહામારીને કારણે સંક્રમણનો શિકાર ન બને તે માટે ચેતનાને રજા નથી આપી રહ્યા. કિડની અને સ્વાદુપિંડનું બેવડું પ્રત્યારોપણ ભારતમાં દુર્લભ છે. કારણ કે તેમાં યુવાન અને પાતળા કેડેવરના દાતાની જરૂર હોય છે. સંપૂર્ણપણે કેડેવર મેચ શોધવા માટે સમય માંગી લેતી પ્રક્રિયા હોવાને કારણે એકલા આઈકેડીઆરસીમાં છેલ્લા 3 વર્ષમાં ફક્ત 8 બેવડી પ્રત્યારોપણ સર્જરી શક્ય બની છે. આઈકેડીઆરસી સિવાય પીજીઆઇ, ચંડીગઢ એક અન્ય તબીબી સુવિધા પૂરી પાડે છે, જ્યાં બેવડા પ્રત્યારોપણ શક્ય છે.

ડોક્ટર રીઝવી અનુસાર ટાઈપ-1 ડાયાબિટીસ સહાયિત કિડની અને સ્વાદુપિંડની ખામી 10 હજાર વ્યક્તિઓમાંથી 1 વ્યક્તિમાં જોવા મળે છે. આઈકેડીઆરસીમાં દાખલ દર્દીઓમાં ડાયાબિટીસનું પ્રમાણ લગભગ 20 ટકા છે, જ્યારે ટાઈપ-1 ડાયાબિટીસના દર્દીઓ 0.5 ટકા છે.

આઈકેડીઆરસી-આઈટીએસના નિયામક ડોક્ટર વિનીત મિશ્રા વધ માહિતી આપતા જણાવે છે કે, રાજ્યમાં દર્દીઓને આ પ્રકારની સારવાર મળી રહે તે માટે ડ્યુઅલ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામનું વિસ્તરણ કરવાનો નિર્ણય લીધો છે. હાલ મળતા ડેટા મુજબ 6000 દર્દીઓ ટાઈપ-1 ડાયાબિટીસ સામે ઝઝૂમી રહ્યા છે, જેઓને ભવિષ્યમાં બેવડા પ્રત્યારોપણની જરૂર પડી શકે છે. ટાઈપ-1 ડાયાબિટીસના કારણે કિડની ફેલ્યોરનો ભોગ બનેલા પુખ્તવયના લોકો કિડની અને સ્વાદુપિંડના પ્રત્યારોપણના સંભવિત દર્દીઓ છે. ઈન્સ્યુલીન એક હોર્મોન છે, જે માનવ શરીરમાં સુગરના સ્તરને નિયંત્રિત કરે છે. ટાઈપ-1 ડાયાબિટીસમાં, સ્વાદુપિંડ પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન બનાવતું નથી. પ્રત્યારોપિત કરાયેલું સ્વાદુપિંડ ઇન્સ્યુલીન બનાવી શકે છે અને ટાઈપ-1 ડાયાબીટીસને સુધારી શકે છે.

(4:50 pm IST)