Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

પોરબંદરમાં સરકારી અંગ્રેજી મિડીયમ સ્કુલનું નવિનીકરણ

પોરબંદર : કમલાબાગ પાસે આવેલી જિલ્લાની એકમાત્ર સરકારી અંગ્રેજી મીડિયમની શ્રી.એમ.કે.ગાંધી પ્રાથમિક શાળાના નવનિર્મિત ઓરડાઓનુ લોકાર્પણ પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડૂકના હસ્તે થયુ હતું. વર્ષ ૧૯૬૪થી સ્થપાયેલી શાળાનું આધુનિકીકરણ કરી ૨૭ ઓરડાની શાળા રૂ.૧ કરોડ ૭૦ લાખના ખર્ચે બનાવવામાં આવી છે. શાળામાં ૯૫૦ થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તથા ૨૫નો સ્ટાફ છે. લોકાર્પણ પ્રસંગે સાંસદ રમેશભાઇ ધડૂકે કહ્યુ કે, સરકારી શાળામાં મળતુ શિક્ષણ ઉત્ત્।મ હોય છે. વિદ્યાર્થીઓ અંગ્રેજીની સાથે સાથે માતૃભાષાથી વિમૂખ ન થાય તેવી અપીલ પણ કરી હતી. ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ કહ્યુ કે, અંગ્રેજી વૈશ્વિક ભાષા છે. વર્તમાન સમયમાં અંગ્રેજી ભાષાનું મહત્વ છે. ત્યારે આપણા વિધાર્થીઓને માતૃભાષાની સાથે સાથે  આ  ગ્લોબલ ભાષાનુ જ્ઞાન પણ વિનામૂલ્યે મળે તે માટે સરકાર કટિબધ્ધ છે. ધારાસભ્યશ્રીએ વધુમાં કહ્યુ કે, ૨૭ ઓરડા, ભુગર્ભ ટાકાં, ટોઇલેટ સહિત અદ્યતન સુવિધા સાથે નિર્માણ પામેલી સ્કૂલમાં વિદ્યાર્થીઓ વિનામૂલ્યે અંગ્રેજી શિક્ષણનું સિંચન કરશે. જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેષભાઇ મોરીએ જિલ્લાવાસીઓને શુભેચ્છા પાઠવતા કહ્યુ કે, ખાનગી શાળામાં શિક્ષણ માટે ફી ચૂકવણી પડતી હોય છે. ત્યારે અહિ વિનામૂલ્યે અંગ્રેજી શિક્ષણનું જ્ઞાન વિદ્યાર્થીઓને મળે છે. કલેકટર ડી.એન.મોદી તથા જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણીએ આ પ્રસંગે શિક્ષકોને શુભેચ્છા પાઠવી શાળામાં વિદ્યાર્થીઓ વધુને વધુ અંગ્રેજી બોલતા, લખતા થાય તેવા પ્રયત્નો કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન મંજુબેન ઓડેદરા, તાલુકા પંચાયતના પ્રમુખ આવડાભાઇ ઓડેદરા, આમંત્રિત મહેમાનો, શાળાના આચાર્ય ધર્માબેન જોષી સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.ડી. કણસાગરાએ તથા આભારવિધિ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મંજુબેન બાપોદરાએ તથા કાર્યક્રમનું સંચાલન નિરવભાઇ જોષીએ કર્યુ હતું. નવા ઓરડાનું લોકાર્પણ કરવામાં આવ્યું તે તસ્વીર.

(11:25 am IST)