Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

'તીડ એટેક' ને પગલે કેન્દ્રીય કૃષિમંત્રી પુરુષોત્તમ રૂપાલા પહોંચ્યા કચ્છ- તીડના ઉપદ્રવને ડામવા સરકાર કટિબદ્ધ

પાકિસ્તાન તરફથી થયેલા 'તીડ એટેક' ને પગલે કચ્છના ખેડૂતોમાં ચિંતા, ભય અને ઉચાટ પ્રવર્તી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી પુરુષોત્તમ રૂપાલા આજે પરિસ્થિતિનો તાગ મેળવવા કચ્છના લખપત તાલુકાના મોટી છેર ગામે પહોંચ્યા હતા. તેમણે જાતે તીડના કારણે ઉદ્દભવ થયેલી પરિસ્થિતિ નિહાળીને ખેડૂતોને તીડનો ઉપદ્રવ ડામવા કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની સાથે છે એવી ખાત્રી ઉચ્ચારી હતી. તીડના આક્રમણની સામે કચ્છ જિલ્લાના વહીવટીતંત્ર તેમ જ ખેતીવાડી વિભાગ દ્વારા થઈ રહેલા પ્રયત્નો વિશે જાણકારી પણ મેળવી હતી. તેમણે તંત્રની અને ખેડૂતોની તીડની સમસ્યાને પહોંચી વળવા માટેની જાગૃતિને બિરદાવી હતી. તેમ જ જો પાકને કંઈ પણ નુકસાન થાય તો સરકાર ખેડૂતોને મદદ કરવા કટીબદ્ધ હોવાનું જણાવ્યું હતું. શ્રી રૂપાલા સાથે મોરબી કચ્છના સાંસદ વિનોદ ચાવડા, કલેકટર નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી, જિલ્લા ખેતીવાડી અધિકારી શિહોરા સાથે રહ્યા હતા. લખપત, અબડાસા, ખાવડા અને ખડીર પંથકમાં છેલ્લા ત્રણ દિવસ થયા તીડના આક્રમણને પગલે ખેડૂતો પોતાના પાક માટે ચિંતિત બન્યા છે. જોકે, તીડના ઉપદ્રવ સામે કચ્છના જિલ્લા ખેતીવાડી અધિકારી તેમ જ સ્ટાફ સતત ખેડૂતોની વચ્ચે છે અને શક્ય એટલા ચાંપતા પગલાં પણ ભર્યા છે. 

(9:39 pm IST)