Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

જામનગર મેડીકલ કોલેજમાં અભ્‍યાસ કરતી વિદ્યાર્થિનીનું ડેન્ગ્યૂની સારવાર દરમિયાન મોત

જામનગર : જામનગર શહેરની એમ.પી. શાહ મેડિકલ કૉલેજમાં એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરી રહેલી વિદ્યાર્થિનીનું ડેન્ગ્યૂના લીધે મોત થયું છે. તબીબી વિદ્યાર્થિનીને થોડા દિવસો પૂર્વે તાવ આવ્યો હતો ત્યારબાદ તે પોતાના વતન પાટણમાં જતી રહી હતી. દરમિયાન તેને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે.

વિદ્યાર્થિની જામનગરનમાં એમ.બી.બી.એસ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. શહેરમાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનો સતત ઘસારો જોવા મળી રહ્યો છે.તાવ શરદી અને ઉધરસ જેવા વાયરલના તાવના કારણે લોકોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં બીમારીઓ જોવા મળી રહી છે. જ્યારે આરોગ્ય વિભાગ આ પાણીજન્ય રોગો અને ઋતુજન્ય રોગો અટકાવવામાં નિષ્ફળ રહ્યું હોય એમ લાગી રહ્યું છે.

અગાઉ જામનગરમાં આરોગ્ય તંત્રની કામગીરી બે અસર રહેતા બેકાબૂ બનેલા રોગચાળાથી જી.જી.હોસ્પિટલમાં દર્દીઓનો પ્રવાહ એટલી હદે વધી ગયો હતો કે દર્દીઓને સૂવાડવા બેડ ખુટી પડ્યા છે. જેના કારણે દર્દીઓને જમીન પર જેમ આવે તેમ ગાદલાં પાથરી સૂવડાવી દેવાયા હતા.

જામનગર શહેરમાં ડેન્ગ્યૂના રોગચાળાએ ભરડો લીધો છે.ત્યારે શહેરની જી જી હોસ્પિટલમાં જુલાઇ માસમાં ડેન્ગ્યૂના 108 અને ઓગષ્ટ માસમાં 103 તેમજ સપ્ટેમ્બર માસમાં 590 દર્દીઓ દાખલ થયા હતાં.આમ છેલ્લા ત્રણ મહિનામાં જ જી જી હોસ્પિટલમાં 801 દર્દીઓ ડેન્ગ્યૂના જ દાખલ થયા હતાં.

(3:13 pm IST)