Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

કચ્છ જિલ્લાના મુખ્ય સરકારી વકીલને કોર્ટમાં મળી જાનથી મારી નાખવાની ધમકી : આઈજીનો વધુ એક ધડાકો રાપરના પીઆઇ સસ્પેન્ડ

(ભુજ) કચ્છ જિલ્લાના મુખ્ય સરકારી વકીલ કલ્પેશ સી. ગોસ્વામીને કોર્ટ પરિસરની અંદર જ જાનથી મારી નાખવાની મળેલી ધમકીએ ચકચાર સર્જી છે. છેલ્લા ઘણા સમયથી જિલ્લા સરકારી વકીલ તરીકે અલગ અલગ ગુનાઓના અનેક આરોપીઓને કાયદા હેઠળ આકરી સજા કરાવનાર કલ્પેશ સી.ગોસ્વામીએ પોતાને મળેલ ધમકી અંગે ભુજ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. જે મુજબ ગઈકાલે ભુજ કોર્ટ પરિસરની અંદર કાસમ ઉર્ફે કાસુડો મામદ નોતીયારે સેશન્સ જજની ૮ નંબરની કોર્ટની બહાર જિલ્લા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે લખવાયેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપી કાસુડો ઉર્ફે કાસમ નોતીયારને નખત્રાણામાં અગાઉના કેસમાં તેમણે આજીવન કેદની સજા કરાવી હોઈ તેનો ખાર રાખ્યા બાદ ગઈકાલે કાસુડો ઉર્ફે કાસમ નોતીયારે ત્રણ પોલીસ કર્મીઓ ઉપર છરી વડે કરેલ જાનલેવા હુમલાનો અંગેનો કેસ હતો. અત્યારે પાલારા જેલમાં જન્મટીપની સજા કાપી રહેલા આરોપી કાસુડા ઉર્ફે કાસમ નોતીયારને ગઈકાલે કોર્ટમાં સાક્ષીઓની જુબાની અને ગુના અંગેની થયેલી દલીલો બાદ એવું લાગ્યું હતું કે, આ ગુનામાં પણ તેને સજા થશે. એટલે ઉશ્કેરાયેલા આરોપી કાસુડા ઉર્ફે કાસમે કોર્ટ રૂમની બહાર નીકળ્યા બાદ આ કેસના સરકારી વકીલ એવા કલ્પેશ સી. ગોસ્વામીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે, સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ તરત જ કોર્ટ રૂમમાં જઈને સેશન્સ જજશ્રીનું પણ ધ્યાન દોર્યું હતું. કોર્ટ પરિસરમાં બનેલ આ બનાવ અંગે અંતે ભુજ એ ડિવિઝન પોલીસે આઈપીસી કલમ ૫૦૪, ૫૦૬, ૨૯૪ (ખ) હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આઈજી સુભાષ ત્રિવેદીનો વધુ એક ધડાકો- રાપર પીઆઇ સસ્પેન્ડ

ફરજ બજાવવામાં ચૂક કરનાર પોલીસ કર્મીઓ સામે આઈજી સુભાષ ત્રિવેદીએ કાયદાયકીય રીતે કડક પગલાં ભરીને કાયદાનું કડકાઇથી પાલન કરવાનો સંકેત આપ્યો છે. ગઈકાલે આઈજી સુભાષ ત્રિવેદીના હુકમને પગલે પૂર્વ કચ્છ ડીએસપી પરીક્ષિતા રાઠોડે રાપરના ઇન્ચાર્જ પોલીસ અધિકારી જે.એચ. ગઢવીને સસ્પેન્ડ કર્યા હતા. દારૂના ગુનાના આરોપીઓ વિરુદ્ધ ચાલતા કોર્ટ કેસ દરમ્યાન ઇન્ચાર્જ પીઆઇ જે.એચ. ગઢવીએ સમયસર ચાર્જશીટ (ગુના અંગેનું તહોમતનામું) રજૂ કર્યું નહોતું. પોલીસ થાણાના મુખ્ય પોલીસ અધિકારી તરીકે ગઢવીની બેદરકારીના કારણે દારૂના ધંધાર્થીઓને જામીન મળી ગયા હતા. આ બેદરકારીને પોલીસ ફરજ દરમ્યાનની ગંભીર ચૂક ગણીને તેમને સસ્પેન્ડ કરાયા હતા. આઈજી સુભાષ ત્રિવેદીએ કચ્છ બોર્ડર રેન્જનો કાર્યભાર સંભાળ્યા બાદ સાબરકાંઠાના ૬, અંજારના ૭ અને રાપરના એક સહિત ૧૪ પોલીસ કર્મીઓને ફરજમાં ચૂક કરવા બદલ સસ્પેન્ડ કરીને ખળભળાટ મચાવી દીધો છે. 

(2:40 pm IST)