Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

બોટાદમાં ખાનગી ન્‍યુઝ ચેનલે દારૂ અંગે સમાચાર પ્રસિધ્‍ધ કરતા પોલીસ ભડકી : સંબંધીત પત્રકારને કલાકો સુધી પોલીસ કચેરીમાં બેસાડી રાખ્‍યા

બોટાદબોટાદના પાળીયાદમાં શિરવાણિયા ગામમાં દારૂના કટિંગના સમાચાર ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકારે ટીવીમાં બ્રેકિંગ કરતાં પોલીસના પગ નીચે રીતસરનો રેલો આવ્યો હતો. પત્રકાર ઉપર દાઝ રાખીને પોલીસે જોહૂકમી કરી 6 કલાક સુધી પત્રકારને એલસીબી કચેરીમાં બેસાડી રાખતાં તેનાં ઘેરાં પ્રત્યાઘાત પડ્યા હતા. પોલીસ લાજવાને બદલે ગાજતાં પત્રકાર આલમમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. સરાજાહેર દારૂનો વેપલો ચાલી રહ્યો છે તે પોલીસને દેખાતો નથી અને જ્યારે સત્ય લોકોની સામે બતાવવામાં આવ્યું ત્યારે પોલીસ હાંફળી ફાંફળી બની ગઈ હતી અને પત્રકાર ઉપર દબાણ લાવવાની કોશિશ કરી હતી.

પાળીયાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઝરીયા ગામના તળાવના પુલથી શિરવાણીયાના પાટિયા સુધી દેશી-ઈંગ્લિશ દારૂનું ખુલ્લેઆમ વેચાણ થાય છે. જેનો મેસેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ વાઈરલ મેસેજને કારણે જિલ્લાના ખાનગી ચેનલના પત્રકાર વિજયસિંહ ચુડાસમા દ્વારા બાબતના સમાચાર ન્યુઝ ચેનલમાં બ્રેકિંગ સ્વરૂપે પ્રસારીત થયા હતા.

જેથી પોલીસ હરકતમાં આવી હતી અને ન્યૂઝ ચેનલોમાં સમાચાર પ્રસિદ્ધ કરનાર રિપોર્ટર વિજયસિંહ ચુડાસમા ઉપર ધાક જમાવવા માટે એસપી હર્ષદ મહેતા, એલસીબી પીઆઈ એસ ટી રીઝવી સહિતનાં પોલીસકર્મીઓએ પત્રકારને એસલીબી કચેરી ખાતે શનિવારે બપોરના 3.30 કલાકથી અટકાયત કરી નજરકેદ કરી હતી.

જે બાદ બોટાદ જિલ્લાના તમામ પત્રકારો એસપી કચેરીએ દોડી ગયા હતા અને પોલીસની આ કામગીરી સામે રોષ પ્રગટ કર્યો હતો. આ સાથે તમામ પત્રકારો પોલીસ ગ્રૃપના વોટ્સએપ ગ્રૃપમાંથી લેફ્ટ થઈ ગયા હતા. અને પોલીસના સમાચારો ન છાપવાનો બહિષ્કાર કર્યો હતો.

(12:02 pm IST)