Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

સરદાર પટેલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ હતા : ભાજપે તેમના નામે લોકપ્રિય થવા પ્રયાસો કર્યા : કચ્છ કોંગ્રેસ આક્રમક

ભુજ તા. ૨૦ : સરદાર પટેલના સ્ટેચ્યૂ ના લોકાર્પણ પૂર્વે ભાજપે શરૂ કરેલી એકતાયાત્રા સામે કોંગ્રેસે તીખી પ્રતિક્રિયા વ્યકત કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના મંત્રી અને કચ્છ ના રાજકીય અગ્રણી હાજી જુમા રાયમાએ ભાજપની એકતાયાત્રા ઉપર ચાબખા વીંઝતા આક્ષેપ કર્યો છે કે, ભાજપ પ્રજાનું ધ્યાન ભટકાવવા આવા ગતકડાં કરે છે. આજે મોંઘવારી અને કાયદો વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિ થી મહિલાઓ પરેશાન છે, જીએસટી અને નોટબંધી થી વ્યાપારીઓ આર્થિક સંકટ મા છે, નોકરીઓ નથી એટલે યુવા વર્ગ બેરોજગાર છે સમાજ નો દરેક વર્ગ સમસ્યા અનુભવી રહ્યો છે ત્યારે ભાજપ ગતકડાં કરીને લોકોનું ધ્યાન ભટકાવી રહ્યો છે.

સરદાર પટેલએ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ હતા, ભાજપ પાસે કોઈ નેતા નથી એટલે ભાજપે સરદારના નામે લોકપ્રિય થવાના પ્રયાસો હાથ ધર્યા છે. કોંગ્રેસના પ્રદેશમંત્રી જુમા રાયમાએ ભાજપ સરકાર દ્વારા સરદારના વંશજ એવા પાટીદાર સમાજ ઉપર અત્યાચાર કરાયો હોવાનો આક્ષેપ કર્યો છે, સાથે સાથે ઉના ના દલિત અત્યાચાર, ગાયો ના નામે મુસ્લિમો ઉપર ના હુમલાનો મુદ્દો ઉઠાવીને સમાજમાં એકતાને બદલે વર્ગવિગ્રહ કરવાનો આરોપ મૂકીને અનેક સણસણતા સવાલો કર્યા છે.

રામ મંદિર માટે જેમ ઈંટો ઉઘરાવી અને હજી રામ મંદિર નથી બનાવ્યું એ જ રીતે સરદાર ના નામે ભેગું કરેલું લોખંડ કયાં ગયું? મેક ઇન ઇન્ડિયાની વાતો કરીને સ્ટેચ્યૂ ચીન મા બનાવ્યું? ભાજપ પ્રજાની આંખમાં ધૂળ નાખે છે પણ હવે પ્રજા ભાજપને બરાબર ઓળખી ગઈ છે. ભાજપની એકતાયાત્રા દરમ્યાન જ કોંગ્રેસ ના પ્રદેશમંત્રી જુમા રાયમાના શાબ્દિક ચાબખા ને પગલે રાજકીય ગરમાવો આવી ગયો છે.(૨૧.૨૨)

(4:25 pm IST)