Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

મોરબી સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં છતના પોપડા પડ્યા.

જર્જરિત કોરોના વોર્ડ ઉપરાંત પીડિયાટ્રિક વિભાગમાં પણ ગમે ત્યારે છતના પોપડા ખરે તેવી સ્થિતિ

મોરબીમાં ખાડે ગયેલ સિવિલ હોસ્પિટલમાં આજે વહેલી સવારે કોરોના વોર્ડની લોબીમાં અચાનક જ છતના પોપડા ખરી પડવાની સાથે છતના સળિયાના દર્શન થતા સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. જો કે, સદ્ભાગ્યે આ વોર્ડમાં કોઈ દર્દીઓ દાખલ ન હોય લોબીમાં અવરજવર ન હોવાથી કોઈ જાનહાની કે ઈજાની ઘટના બની ન હતી. કોરોના વોર્ડની જેમ જ પીડિયાટ્રિક વોર્ડમાં પણ છતના પોપડાનું જોખમ તોળાઈ રહ્યું છે.

    પ્રાપ્ત વિગતો મુજબ આજે વહેલી સવારે મોરબી સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડની લોબીમાં અચાનક જ છતના પોપડા ધડાકાભેર ખરી પડતા ફરજ ઉપરના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. લાંબા સમયથી જર્જરિત હાલતમાં રહેલ સિવિલ હોસ્પિટલ દર્દીઓને સાજા કરવાને બદલે ઈજાગ્રસ્ત કરી મૂકે તેવી સ્થિતિ વચ્ચે આ વોર્ડમાં હાલમાં કોઈ દાખલ ન હોવાથી સદ્ભાગ્યે લોબીમાં કોઈની અવરજવર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.   

   અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના વોર્ડની જેમજ બાળકો માટેના પીડિયાટ્રિક વોર્ડમાં પણ છત જર્જરિત બની હોય જોખમ તોળાઈ રહ્યું હોવાનું ખુદ સિવિલ સ્ટાફમાંથી જાણવા મળી રહ્યું છે.

 

(12:28 am IST)