Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

મોરબી સિરામીક ઉદ્યોગમાં ચોતરફ મંદીનો માહોલ : ડોમેસ્ટિક માર્કેટમાં ૭૦ ટકાનું ગાબડું

ટાઇલ્સના ભાવમાં વધારો થવા ઉપરાંત ભાડા વધતા ટ્રેડરો નવરા ધૂપઃ વેસ્ટ બંગાળ, બિહારમાં દુર્ગાપુજા શરૂ થતા માંગ તળિયે : અન્ય રાજ્યોમાં પણ આજ સ્થિતી

મોરબી,તા.૨૦: સાતમ-આઠમના તહેવાર ભલે જતા રહ્યા, રજાઓ ભલે પુરી થઇ ગઈ પરંતુ હજુ સુધી મોરબીના સિરામીક ટ્રેડર્સ માટે રજાઓ પુરી નથી થઈ.. ૨૪ કલાક લોડિંગ -અનલોડીંગથી ધમધમતા સિરામીક કારખાનાઓમાં પણ આજ સ્થિતિ વચ્ચે ચોતરફથી મંદી..મંદી..મંદી..અને મંદીના જ અવાજ સંભળાઈ રહ્યા છે. સીરામીક હબ મોરબીમાં છેલ્લા એક મહિનાથી મંદીના માહોલ વચ્ચે એકસપોર્ટ દ્યટીને ૫૦ ટકા થયા બાદ હવે સ્થાનિક બજાર પણ બેસી જતા વ્યાપારમાં ૭૦ ટકાનું ગાબડું પડી જતા સિરામીક ઉત્પાદકોની સાથે ટ્રેડર્સ નવરા ધૂપ બેઠા છે. આવીને આવી સ્થિતિ હજુ એકાદ મહિનો ચાલે તેમ હોવાનું સિરામીક ટ્રેડર્સ જણાવી રહ્યા છે.

સમગ્ર વિશ્વમાં છવાઈ ગયેલા મોરબીના સિરામીક ઉદ્યોગ માટે હાલમાં કપરા દિવસો ચાલી રહ્યા છે, રો-મટીરીયલ અને ડીઝલના ભાવ વધારા બાદ ટ્રક ભાડામાં ટન દીઠ ૩૦૦થી ૪૦૦ રૂપિયા વધારો ઉપરાંત નેચરલ ગેસના ભાવમાં ઝીકાયેલા કમરતોડ ભાવવધારા બાદ સિરામીક ઉદ્યોગકારોએ ટાઈલ્સના ભાવમાં વધારો કરતા કોરોના કાળ બાદ માંડ બેઠા થયેલા લોકોમાં આ ભાવવધારાથી દેકારો બોલી ગયો છે.

મોરબીમાં સીરામીક ટ્રેડર્સ એસોસીએશનના પ્રમુખ અને ઇવા ટ્રેડર્સવાળા કે.કે. પટેલના મતે છેલ્લા એક મહિનાથી સિરામિકના ધંધાર્થીઓના કામકાજ ઠપ્પ થયા છે, ટાઈલ્સના ભાવમાં વધારા ઉપરાંત હાલમાં ડબલચાર્જ અને ૧૨ * ૧૮ સાઈઝના કારખાનાઓમાં પ્રોડકશન બંધ કરાયા હોય માલ ડીસ્પેચ થતો નથી. આ ઉપરાંત વેસ્ટ બંગાળ અને બિહાર જેવા રાજયોમાં દુર્ગા પૂજનના તહેવારો શરૂ થતા માંગ તળિયે બેસી ગઈ છે.

વધુમાં કે.કે. પટેલ જણાવે છે કે, અગાઉ સીરામીક પ્રોડ્કટની સારી માંગ વચ્ચે દરરોજ ૪૦૦૦ જેટલા ટ્રકમાં માલ લોડિંગ થતો જેની તુલનાએ હાલમાં દૈનિક સરેરાશ ૧૫૦૦ ગાડીઓ જ લોડ થઇ રહી હોવાનું ઉમેરતા જણાવ્યું હતું કે મોટાભાગના ટ્રેડર્સ પાસે હાલમાં કોઈ ઓર્ડર કે ઈન્કવાયરી હોય ધંધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

(1:04 pm IST)