Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

સુરેન્દ્રનગરમાં સંકલન બેઠક રદ કરાતા કોંગ્રેસનાં ૨ ધારાસભ્યો ઉપવાસ ઉપર

બેઠકો રદ કરીને લોક પ્રશ્નોનો ઉકેલ ન આવતા નૌશાદભાઇ સોલંકી અને રૂત્વિકભાઇ મકવાણાનો આક્રોશ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૦: દસાડા-લખતરનાં ધારાસભ્યશ્રી નૌશાદભાઇ સોલંકી,ચોટીલા-થાન-મુળીના ધારાસભ્યશ્રી ઋત્વીક મકવાણા તથા સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી રૈયાભાઇ રાઠોડ સહિતના આગેવાનો, કાર્યકરો દ્વારા કલેકટર ઓફીસ સામે બન્ને ધારાસભ્ય દવારા અન્ન-જળનો ત્યાગ કરી પ્રતિક ધરણા કરવામાં આવ્યા છે.

જિલ્લામાં છેલ્લા બે વર્ષથી કયારેક કોરોનાનુ બહાનુ ધરીને કે પછી બીજા સુલ્ક કારણો આપી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠકો રદ્દ કરવામાં આવી રહી છે. જિલ્લાનું વહીવટી તંત્ર સમગ્ર પણે ખાડે ગયુ છે. અને જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા ભાજપના કાર્યકરની જેમ વર્તી અતિ મહત્વની ગણાતી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક રદ્દ કરવામાં આવી રહી છે, અનેક રજુઆતો બાદ ગત તા. ૧૩/૦૭/૨૦૨૧ના રોજ જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. તે દરમ્યાન અનેક બાબતોમાં જિલ્લાના અણધડ વહીવટની પોલ ખુલી જવા પામેલ હોવાનો આક્ષેપ ધારાસભ્ય દવારા કરવામાં આવ્યો છે.

આ સિવાય જિલ્લામાં વિવિધ કચેરીઓમાં ૩૫૦૦ કરતા વધારે અરજીઓના નિકાલ બાબત તથા વડી કચેરી દ્વારા નીચેની ૫૯૫ કચેરીઓના બાકી નિરીક્ષણ બાકી હોવા અંગે ગત જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠકમાં ખુલાસો/જવાબ આપવાનાં થતા હતા. પરંતુ જિલ્લાનુ વહીવટી તંત્ર નવા આવેલા કલેકટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભાજપના કાર્યકરની જેમ વર્તી આ બેઠક રદ્દ કરી નવી બેઠક માટે તા.૨૧-૦૮-૨૦૨૧ આપવામાં આવેલ, પરંતુ બેઠકની આગલી રાત્રે મોડેથી અમો ધારાસભ્યોને ફોનથી જાણ કરી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક રદ કરેલ છે.

જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક એ જે-તે જિલ્લા માટે મીની વિધાનસભા ગણાય અને મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ આ બેઠકમાં આવતુ હોય છે. આ બેઠકમાં જિલ્લાના કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સહિત તમામ ખાતાના વડાઓ હાજર રહે છે. પરંતુ બેઠકમાં ભાજપ સરકારની તથા આ અધિકારીઓના અણધડ વહીવટની પોલ ખુલ્લી ન પડે તે માટે મનસ્વી રીતે જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠકો તથા લેન્ડ કમીટીની બેઠકો રદ્દ કરવામાં આવી રહી છે.

આમ કરી સુરેન્દ્રનગર જિલ્લા સાથે અન્યાય કરવામાં આવી રહ્યો હોય, તેનો વિરોધ કરવા તથા જિલ્લાના વહીવટી તંત્રને સજાગ કરવા અમો બન્ને ધારાસભ્યો, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી રૈયાભાઇ રાઠોડ તથા આગેવાનો અને કાર્યકરો ધારાસભ્ય અને કાઙ્ખંગ્રેસ ના કાર્યકરો એ કલેકટર કચેરી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે અન્નજળનો ત્યાગ કરી સવારે ૧૦ૅં૦૦ થી સાંજના ૦૫ૅં૩૦ સુધી એક દિવસના પ્રતિક ઉપવાસ આંદોલન કર્યું છે. અને નો દિન-૭માં જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક યોજવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ૭૨ કલાકના ઉપવાસ આંદોલન કરવામાં આવશે.તેવી ચીમકી ઉચ્ચારવામા આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં તાત્કાલિકપણે સંકલનની બેઠક રદ કરવામાં આવતા આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ માં અને ધારાસભ્યોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે કારણ કે વિકાસના કામોના અનેક પ્રકારના કામો કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા મૂકવામાં આવ્યા છે અનેક પ્રકારના પ્રશ્નો પણ મુકવામાં આવ્યા છે પરંતુ સંકલનની બેઠકમાં મૂકવામાં આવેલા પ્રશ્નો કોઈ નિવેડો ન આવતો હોય અને અવારનવાર બહાનું કાઢી અને જિલ્લા તંત્ર દ્વારા સંકલનની બેઠક રદ કરવામાં આવતી હોવાના કારણે ધારાસભ્યોમાં રોશ વ્યાપી જવા પામ્યો છે.

(12:51 pm IST)