Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

વઢવાણથી ગુવાર ભરી ડીસા પહેલો જ ફેરો કરવા જતી બોલેરો પલ્ટી ખાઇ ગઇ

ખારાઘોડામાં મીઠાની કંપનીના ગોડાઉનમાં આગ : ૧૦ લાખનું નુકસાન

વઢવાણ તા. ૨૦ : લખતર - કડુ રોડ ઉપર ગેથળા હનુમાન પાસે નવી બોલેરો પીકઅપ અચાનક પલ્ટી ખાઈ ગઈ હતી. સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાન હાની થયેલ નથી. પરંતુ થોડા સમય માટે હાઈવે બંધ થઈ જતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

વઢવાણ માર્કેટીંગ યાર્ડમાંથી ૧૨૦ મણ લીલો ગવાર ભરીને ડીસા જવા નીકળેલી બોલેરો પીકઅપ લખતર - કડુ રોડ ઉપર ગેથળા હનુમાન પાસે અચાનક રોડ વચ્ચે પલ્ટી ખાઈ ગઈ હતી. સદનસીબે વાહનના ડ્રાઈવર - કલીનરનો આબાદ બચાવ થયો હતો.

બોલેરો પીકઅપના ડ્રાયવરના જણાવ્યા અનુસાર આ વાહન દસ દિવસ પહેલા જ શોરૂમમાંથી છોડાવવામાં આવેલ હતું અને આ તેનો પહેલો જ ફેરો હતો. પોલીસે ઘટના સૃથળે દોડી જઈને ટ્રાફિક કલીયર કરાવેલ હતો.

પાટડી તાલુકાના ખારાઘોડા સ્ટેશન ખાતે આવેલા મીઠાની એક કંપનીની ભાડે રાખેલી બે દુકાનના ગોડાઉનમાં મોડી રાત્રે વિકરાળ આગ ભભૂકી ઉઠતા આજુબાજુના લોકોએ આગ બુઝાવવા પાણીનો મારો ચલાવ્યો હતો. પળવારમાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અફડાતફડી મચી જવા પામી હતી. આ વિકરાળ આગની ઘટનાની જાણ થતાં પાટડી નગરપાલિકાના ફાયર ફાઇટરને બોલાવવાની ફરજ પડી હતી. અને ત્રણથી ચાર કલાકની ભારે જહેમત બાદ આગ પર મહદઅંશે કાબુ મેળવવામાં સફળતા મળી હતી.

આ ગોડાઉનમાં બે દિવસ અગાઉ જ મીઠાની આખી રેકના બારદાન આવ્યા હોવાથી બારદાન સહિતનો અન્ય સામાન બળીને ખાખ થઇ જતાં અંદાજે રૂ. ૧૦ લાખથી વધુનું નુકશાન થયુ હોવાના સમાચાર છે. આ ગોડાઉનમાં વિકરાળ આગની ઘટનાબાદ મોડી રાત્રે આજુબાજના રહીશોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી.

જાનથી મારી નાખવાની ધમકી

ચૂડા તાલકુાના ચોકડી ગામે રહેતા ધર્મેશભાઈ વલ્લભભાઈ પરમાર બાપા સીતારામની મઢુલી મંદિર પાસે ઉભા હતા ત્યારે બાઈક ઉપર આવેલા વિજયસિંહ દિલીપસિંહ સિંઘવ અને મહેશભાઈ ધીરૂભાઈ મેમકીયાએ તેમને ગાળો આપી જાતી પ્રત્યે અપમાનીત કરી તને હમણાથી બહુ હવા ચડી છે, અમારા વિશે જેમ તેમ બોલે છે તેમ કહી લાકડાના ધોકા અને વાયર વડે માર માર્યો હતો. વચ્ચે પડીને છોડાવવા આવેલા ધર્મેશભાઈના માતા જયાબેન અને મિત્ર પ્રદીપભાઈને પણ ગાળો દીધી હતી. એટલુ જ નહી, બપોરના સમયે ફરી ધર્મેશભાઈના ઘરે જઈ ડેલા ઉપર ધોકાના ઘા મારી તારા છોકરાને બહાર કાઢ આજે પતાવી દેવો છે તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે ફરીયાદ નોંધાતા પોલીસે એટ્રોસીટી એકટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરેલ છે.

(11:59 am IST)