Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

બામણબોરના ડોસલીધુનામાં ઓચીંતો ચેકડેમ તોડવાને કારણે હાલાકીઃ પુલની વર્ષો જુની માંગણી અધ્ધરતાલ

તણાઇ જતાં ભેંસનું મોતઃ લોકોને જોખમ વચ્ચે પસાર થવું પડે છેઃ વધુ એક રજૂઆત

રાજકોટ : જિલ્લાના બામણબોર ગામ ઉપરવાસમાં ડોસલીઘુના ડેમ આવેલો છે.  હાલમાં એરપોર્ટનું કામ ચાલતું હોઇ તેના કારણે અવાર નવાર ડોસલીઘુનાનો ચેકડેમ ગમે ત્યારે જાણ વગર તોડી નાંખવામાં આવે છે. આ કારણે પાણી ધસી આવતાં અડધા બામણબોર ગામના વિસ્તારો નવગામ, બામણબોર નવાપરા, પાતા વિસ્તારમાં રહેતાં લોકોના માલઢોર તણાઇ જાય છે તેમજ અવર-જવર માટે પાણીમાં થઇને નીકળવું પડે છે. વરસાદ ચાલુ હોય ત્યારે ડેમ તોડવામાં આવે તો લોકો સાવચેત હોય છે. પરંતુ ઓચીંતા ગમે ત્યારે ડેમ તોડવાને કારણે લોકોને હેરાનગતીનો સામનો કરવો પડે છે. તાજેતરમાં આવું થતાં એક પરિવારની ભેંસ તણાઇ ગઇ હતી. અહિ પુલ બનાવવાની રજૂઆતો પણ પાંચ વર્ષથી કરવામાં આવી છે. પરંતુ કોઇ ઉકેલ આવ્યો નથી. ધારાસભય ઋત્વીકભાઇ મકવાણાને તેમજ કલેકટર તંત્રને પણ અનેક રજૂઆતો થઇ છે. પરંતુ પુલ બનાવાતો ન હોઇ ગામ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બામણબોરથી બાબુલાલ ડાભીના કહેવા મુજબ લોકોને કેવી મુશ્કેલી વેઠવી પડે છે તે તસ્વીરોમાં જોઇ શકાય છે. માલધારી તથા ખેડૂત અનિલ ભાઈ બાવળીયા, ઉકાભાઇ બાવળીયા અને વાડી વિસ્તારના લોકોએ વધુ એક વખત રજૂઆતો કરી છે. શાળાએ જવા માટે પણ બાળકોને જોખમ ખેડવું પડે છે. પુલનું નિર્માણ સત્વરે થાય તેવી માંગણી છે.

(11:54 am IST)