Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

જસદણ-બોટાદ ગોંડલ રેલવે લાઇનના સર્વે રી સર્વેની ફાઇલ વર્ષોથી અભેરાઇએ ચડાવી દેવાતા જસદણ રેલવે સ્ટેશન પડવાના આરે

બન્ને શહેર વચ્ચે સીધો વ્યાપારિક સંબંધ છતાં ટ્રેન સુવિધા છીનવી લેવાઇ : કેન્દ્ર અને રાજ્યમાં સત્તારૂઢ ભાજપના નેતાઓ ટ્રેન સેવા પુનઃ શરૂ કરાવે તેવી લોક માંગણી

(નરેશ ચોહલીયા દ્વારા) જસદણ,તા. ૨૦: જસદણ- ગોંડલ બોટાદ વચ્ચે વર્ષોથી ટ્રેન વ્યવહાર બંધ છે. અંદાજે આંઠેક વર્ષ પહેલા જસદણ- ગોંડલ બોટાદ બ્રોડગેજ રેલવે લાઈનનો સર્વે કરાયો હતો. પરંતુ રાજકીય નેતાઓની ઈચ્છાના અભાવે સર્વે કરાયેલી ફાઈલને ધૂળ ખવરાવવા અભેરાઈ ઉપર ચડાવી દેવામાં આવી છે. ભૂતકાળમાં જસદણ-બોટાદ વચ્ચે મીટરગેજ લાઈન ચાલુ હતી. આ રેલવે લાઈન દ્યણા લાંબા સમયથી બંધ પડી છે. ત્યારબાદ સમયાંતરે માંગણીઓ ઉઠતા દ્યણા વર્ષો પહેલા રેલવે બ્રોડગેજ લાઈનની સેવાને ફરી શરૂ કરવા સર્વે રીસર્વે કરાયો હતો. પરંતુ વર્ષોથી આ ફાઈલ અભેરાઈએ ચડાવી દેવાઈ છે. ટ્રેન વ્યવહાર બંધ હોવાથી જસદણ રેલવે સ્ટેશન પણ હવે પડવાના આરે છે. બન્ને શહેર વચ્ચે વર્ષોથી સીધો વ્યાપારિક સબંધ છે. જેમાં હીરા ઉદ્યોગ, જીનીંગ ફેકટરી, ઈલેકટ્રોનિકસ ઉદ્યોગ, પટારા, હેન્ડીક્રાફ્ટ, માટીકામ, ટેરાકોટા, ખાંભડાના માવાના પેંડા વગેરેના વેપાર-ધંધા માટે બન્ને શહેરના વેપારીઓને આ ટ્રેન સુવિધા ખૂબ જ ઉપયોગી બની શકે છે. જસદણના વેપારીઓને ધંધા માટે રાજકોટ, અમદાવાદ, સુરત, મુંબઈ, વડોદરા જવું પડે છે. ત્યારે જસદણ- ગોંડલ બોટાદ રેલવે સેવાને બ્રોડગેજથી જોડી તેને અમદાવાદ, રાજકોટ ભાવનગર, સુરત, મુંબઈ સુધી જોડવામાં આવે તો રેલવેને પણ આવકમાં દ્યણો જ વધારો થઈ શકે તેમ છે.

અગાઉ સામાજિક કાર્યકર નરેશભાઈ ચોહલીયા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઇ ધાધલ સહીત જસદણ શહેર પંથકની વીવીધ સંસ્થાઓ સામાજિક આગેવાનો દ્વારા વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આજદિન સુધી જસદણ ગોંડલ જસદણ બોટાદ રેલવે ની કોઇ કામગીરી નહી થતા વેપારીઓ ઉધોગકારો અને આમ નાગરીકો મા કચવાટ ફેલાયો છે.

જસદણના તત્કાલીન ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયાએ ભૂતકાળમાં બ્રોડગેજ લાઈન માટે માંગણીઓ કરી હતી કુંવરજીભાઇ બાવળીયા રાજકોટના સાંસદ હતા ત્યારે બોટાદ જસદણ ગોંડલ નો સર્વે અને રી-સર્વે પણ કરાવ્યો હતો . હાલ તેઓ ભાજપમાં જ છે અને રાજયના કેબીનેટ મંત્રી છે તેમજ રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા પણ ભાજપના જ સાંસદ છે ગુજરાતમાં અને કેન્દ્રમાં ભાજપની સરકાર હોય, ત્યારે રેલવેના વર્ષો જૂના પ્રશ્નનો વહેલી તકે ઉકેલ લાવે તેવું નાગરિકોને ઈચ્છી રહ્યા છે.

(11:48 am IST)