Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

નરેન્દ્રભાઈના ૬૯માં જન્મદિવસની કચ્છમાં મોદી મેલા, મોદી વન, જળપૂજા, સેવાકીય કાર્યો સાથે ઉજવણી

સાંસદ વિનોદ ચાવડા, વરિષ્ઠ નેતા તારાચંદભાઈ છેડા, યુવા આગેવાન હિતેશ ખંડોર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન

ભુજ, તા.૨૦: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૬૯ મા જન્મદિવસ પ્રસંગે કચ્છમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લામાં એક સાથે ૪૧ સ્થળોએ 'નમામી દેવી નર્મદે' ની ઉજવણી કરાઈ હતી. જેમાં ભુજ મધ્યે સાંસદ વિનોદ ચાવડા, રાજયમંત્રી વાસણભાઈ આહીર અને સંતો, મહંતો, રાજકીય આગેવાનોની ઉપસ્થિતમાં હમીરસર તળાવમાં જળપૂજા સાથે આરતી, પૂજન યોજાયું હતું. જિલ્લા કક્ષાના આ આયોજન દરમ્યાન સખી મંડળની બહેનોને સ્માર્ટ ફોનનું વિતરણ કરાયું હતું. સાંસદ શ્રી ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈને દીર્દ્યાયુની શુભેચ્છાઓ પાઠવી સૌને મીઠું મોં કરાવ્યું હતું.

સાંસદ વિનોદ ચાવડા દ્વારા આ પ્રસંગે યોજાયેલા અન્ય શ્રેણીબદ્ઘ કાર્યક્રમોમાં મોદી મેલાનું ભવ્ય આયોજન કરાયું હતું. ભુજના ટાઉનહોલમાં ૨૨૫ થી વધુ લાભાર્થીઓને કેન્દ્ર સરકાર પુરસ્કૃત વિવિધ યોજનાઓ દિવ્યાંગ લગ્ન સહાય, દિવ્યાંગ સાધન સહાય, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનની ચાવી, આરોગ્ય યોજના અંતર્ગત ગોલ્ડન કાર્ડ, હેંડીક્રાફટ આર્ટિઝન કાર્ડ, સ્વસહાય જૂથોને રિવોલવીંગ ફંડ, હિયરિંગ એઈડ, બ્લાન્ડ સ્ટીકનું વિતરણ કરાયું હતું.

આ કાર્યક્રમમાં કચ્છ ભાજપના વરિષ્ઠ નેતા તારાચંદભાઈ છેડા અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ વિનોદ ચાવડા દ્વારા ભુજ મધ્યે કૌશલ્ય વિકાસ તાલીમ કેન્દ્રને ખુલ્લું મુકાયું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈના જન્મદિવસ અંતર્ગત ખુલ્લા મુકાયેલા આ તાલીમ કેન્દ્રમાં ૧૫૦૦ યુવાનો કૌશલ્ય સંવર્ધનની તાલીમ મેળવશે. અદાણી ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી આયોજિત આ કૌશલ્ય વિકાસ તાલીમ કેન્દ્રમાં સ્કીલ ડેવલપમેન્ટ ની તાલીમ અપાશે. આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશનના પંકિતબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા. તો, ગાંધીધામ મધ્યે સાંસદ વિનોદ ચાવડા દ્વારા પ્લાસ્ટિક ફ્રી મુવમેન્ટનો પ્રારંભ કરાયો હતો.

વડાપ્રધાન નરેન્દ્રભાઈના આહવાન અનુસાર પ્લાસ્ટિક મુકત ભારત મિશન અંતર્ગત મારવાડી યુવા સંગઠનની સહાયતાથી ૨૦૦૦ કપડાંની થેલીનું પ્રતીક વિતરણ કરાયું હતું. મારવાડી યુવા મંચના નંદલાલભાઈ ગોયલે ૧૦ હજાર કપડાંની થેલીનું વિતરણ કરવાની જાહેરાત કરી હતી. સાંસદ વિનોદ ચાવડા દ્વારા ગાંધીધામ વિસ્તારના બાળકોને હિયરીંગ એઇડનું વિતરણ કરાયું હતું. કચ્છ જિલ્લાની મુખ્ય સરકારી હોસ્પિટલ મધ્યે ભાજપ ડોકટર સેલના સહયોગથી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. સાંસદ વિનોદ ચાવડા સાથે રાજયમંત્રી વાસણભાઇ, ધારાસભ્ય ડો. નીમાબેન, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ ઉપરાંત કલેકટર નાગરાજન, ડીડીઓ પ્રભવ જોશી ઉપસ્થિત રહ્યા હતા. તો, કચ્છ ભાજપના વરિષ્ઠ નેતા તારાચંદભાઈ છેડા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈના જન્મદિવસ પ્રસંગે કચ્છમાં નિઃશુલ્ક 'માંગો ત્યાં મેડિકલ કેમ્પ' યોજનાની જાહેરાત સાથે માંડવી તાલુકાના મસ્કા ગામા તેમ જ મુન્દ્રા તાલુકાના કણઝરા ગામમાં મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું.

કવિઓ અને સર્વ સેવા સંઘ એ બે સંસ્થાઓના સહયોગથી દિવાળી સુધી કચ્છ જિલ્લાના જે ગામોમાં જરૂરત હશે ત્યાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજવામાં આવશે એવું શ્રી છેડાએ જણાવ્યું હતું. કચ્છ ભાજપના યુવા અગ્રણી અને ભુજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હિતેશ ખંડોર દ્વારા ભુજ તાલુકામાં નરેન્દ્રભાઈના ૬૯ મા જન્મદિવસ પ્રસંગે ૬૯ હજાર વૃક્ષો વાવવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અનુસંધાને ભુજના ઢોરી ગામે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

૧૧ હજાર વૃક્ષોના વાવેતર સાથે ઢોરી ગામે 'મોદી વન' ઉભું કરીને 'તેરા તુજકો અર્પણ' સંસ્થા દ્વારા કચ્છભરમાં ૫ લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરાયો હોવાનું હિતેશ ખંડોરે જણાવ્યું હતું. ઢોરી ગામે કાર્યક્રમ દરમ્યાન ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, કચ્છ ભાજપના અગ્રણી દિલીપ આચાર્ય, કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજ ગઢવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઢોરી ગ્રામ પંચાયત અને ઢોરી આહીર યુવા સેવા મંડળના સહયોગથી 'મોદી વન' ઉભું કરાશે.

(11:54 am IST)