Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

ઘોઘાના ૭ સહિત ૬૧ ભારતીયો સાઉદી અરબમાં ફસાયા

વર્ક પરમિટ રિન્યુ ન થતા ૧૮ મહિનાથી પગાર કે કામ વગર હેરાનઃ સરપંચે વિદેશ મંત્રી પાસે મદદ માંગી

ભાવનગર તા. ર૦ :.. ભાવનગર જીલ્લાનાં ઘોઘાના ૭ મળી ર૦ ગુજરાતીઓ સહિત ૬૧ ભારતીય લોકો સાઉદી અરબના રીયાધમાં પ્રાઇવેટ કંપનીનાં કમ્પાઉન્ડમાં વર્ક પરમીટ રીન્યુ ન થતાં કોઇપણ પગાર કે કામ વગર છેલ્લા ૧૮ મહીનાથી ફસાયા છે.

ઘોઘાના સરપંચ અન્સાર રાઠોડએ આ અંગે દેશનાં વિદેશ મંત્રીને પત્ર લખી તથા રાજય અને જિલ્લાનાં વહીવટી તંત્રને પત્રની નકલો મોકલી કામદારોની દુર્દશા પર તાકીદે ધ્યાન આપવા જણાવ્યું છે.

રીયાધમાં પ્રાઇવેટ કંપનીમાં કામ કરતાં ઘોઘાનાં ૭ સહિત ર૦ ગુજરાતીઓ અને ૬૧ ભારતીઓને કંપનીમાંથી છૂટા કરવામાં આવ્યા છે. જે દયનીય પરિસ્થિતીમાં જીવી રહ્યા છે. હાલમાં સાઉદી અરેબિયાની સ્થાનિક લેબર કોર્ટે આ શ્રમીકોને ખોરાક, પાણી અન્ય સુવિધાઓ પુરી પાડી છે. અગાઉ આ શ્રમિકોની હાલત દયનીય હતી.

દરમ્યાન ભાવનગર કલેકટરશ્રીએ આ અંગે જણાવ્યું હતું કે મામલતદાર તાત્કાલીક પરિસ્થિતિનો તાગ લેશે. ભારતમાં કંપનીની સ્થાનીક ઓફીસો શોધી કાઢી સંપર્ક કરશે. ભાવનગરનું વહીવટી તંત્ર શકય તેટલી ઝડપે મદદ કરશે તેમ જણાવ્યું હતું.

ભાવનગરનાં ઘોઘાના જે સાત વ્યકિતઓ રીયાધમાં અટવાયા છે તે નીચે મુજબનાં હોવાનું સરપંચ અન્સાર રાઠોડએ જણાવ્યું છે.

૧. ભીખુભાઇ શેખ, ર. રફીક મુસા દાઉદ, ૩. અયુબ ઉમરભાઇ શેખ, ૪. અબ્દુલ ગફાર આદમ શેખ, પ. મુનાફખાન હારૂનખાન શેખ, ૬. ઇકબાલભાઇ ઇસ્માઇલભાઇ રાઠોડ, અને મોહમ્મદ જુબેલ કાસમ શેખનો સમાવેશ થાય છે.

(11:13 am IST)