Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

જૂનાગઢ કોર્પોરેશનના વહીવટ અને વિકાસ કામોમાં વિદ્યાર્થીઓ ભૂમિકા ભજવશે

દેશમાં પ્રથમ વખત સ્થાનિક સ્વરાજયની સંસ્થામાં જનભાગીદારીના નવતર પ્રયોગ તરફ આગળ વધતા કમિશનર તુષાર સુમેરાઃ સ્નાતક-અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને અનુભવનું ભાયુ મળશે અને એના કૌશલ્યનો શહેરને લાભ મળશેઃ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ.

રાજકોટ, તા. ૨૦ :. જૂનાગઢ મહાનગરપાલિકાના વહીવટમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રના વિદ્યાર્થીઓને આવરી લઈ વિદ્યાર્થી તાલીમ કાર્યક્રમ હાથ પર લેવામાં આવ્યો છે. જેનાથી કોર્પોરેશનના વહીવટ અને વિકાસ કામોમાં વિદ્યાર્થીઓની ભૂમિકા શરૂ થશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં વિદ્યાર્થીઓને આ રીતે તક આપી શહેરના વિકાસમાં જનભાગીદારી વધારવાનો પ્રયોગ દેશમાં કદાચ પ્રથમ વખત થઈ રહ્યો છે. આજે કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં ઠરાવ થયા બાદ આ યોજના આગળ વધારવામાં આવશે. શહેરના યુવા કમિશનર શ્રી તુષાર સુમેરા (આઈ.એ.એસ.) આ યોજનાને અમલમાં મુકવા કાર્યરત છે.

જુનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટી, કૃષિ યુનિવર્સિટી અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જૂનાગઢ કોર્પોરેશનમાં તાલીમ માટે બોલાવવામાં આવશે. કોર્પોરેશનના જે તે ક્ષેત્રના અધિકારીઓ સાથે રહીને તેમની કામગીરી સુપરવિઝન (દેખરેખ) અને ઈનોવેશન (નવીનીકરણ)ની રહેશે. કામની સત્તાવાર જવાબદારી જે તે અધિકારીની જ રહેશે પરંતુ તાલીમી વિદ્યાર્થી તેમા પોતાના વિચારો વ્યકત કરી શકશે અને કામગીરી સુધારવા માટે અહેવાલ આપી શકશે. આ પ્રયોગથી ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓને કામનો અનુભવ મળશે તેમજ શહેરને તેના કૌશલ્યનો લાભ મળશે. જે શાખાના વિદ્યાર્થી હશે તેને અનુરૂપ કામગીરી સાથે જોડવામાં આવશે. દા.ત. સિવીલ એન્જીનીયરીંગના વિદ્યાર્થી હોય તે તેમને રસ્તા, બાંધકામ જેવી કામગીરીમાં જોડવામાં આવશે. આર્ટસના વિદ્યાર્થીઓ સ્વચ્છતા અને અન્ય પ્રજા કલ્યાણની યોજનામાં પોતાનુ યોગદાન આપી શકે છે. કાયદા ક્ષેત્રના વિદ્યાર્થીઓ કોર્પોરેશનની કાયદાકીય બાબતમાં પોતાના જ્ઞાનનો ઉપયોગ કરી હીર ઝળકાવી શકશે.

આ અંગે કમિશનર શ્રી તુષાર સુમેરાને પુછતા તેમણે જણાવેલ કે, સ્ટેન્ડીંગ કમિટીની મંજુરી મળ્યા બાદ આ વિદ્યાર્થી તાલીમ કાર્યક્રમની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ જૂનાગઢની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ. કરવામાં આવશે. ભવિષ્યમાં જૂનાગઢ બહારની શૈક્ષણિક સંસ્થાઓને પણ આવરી લેવા માટે આગળ વધશું. આ યોજનામા જોડાનાર વિદ્યાર્થીઓએ બે માસ સુધી દરરોજ પોતાના અભ્યાસ સમય ઉપરાંત એક થી બે કલાક ફાળવવાની રહેશે. તેમને વોર્ડવાઈઝ કામગીરી સોંપવામાં આવશે. પ્રથમ તબક્કે ૨૦૦ વિદ્યાર્થીઓને જોડવાની ગણતરી છે. તાલીમ પુુરી કર્યા બાદ વિદ્યાર્થીને કોર્પોરેશન તરફથી પ્રમાણપત્ર આપવામાં આવશે. આ યોજનાથી જોડાયેલા વિદ્યાર્થીઓને કોર્પોરેશનના વહીવટ અને શહેરના વિકાસમાં પોતાનું યોગદાન આપ્યાનો સંતોષ મળશે. કોર્પોરેશનને વિદ્યાર્થીઓની શકિત અને આધુનિક ટેકનોલોજી આધારીત જ્ઞાનનો લાભ મળશે. રાબેતા મુજબની કામગીરી કરતા કંઈક નવુ થઈ શકશે. લોકોની ફરીયાદો ઘટશે. વહીવટી પારદર્શકતા વધશે. સૌના સાથથી આ યોજના અમલમાં મુકવા માગીએ છીએ. મંજુરીની વહીવટી પ્રક્રિયા પુરી થયા બાદ તેનો વિધિવત શુભારંભ સમારંભ થશે. યોજના અમલમાં આવ્યા પછી જરૂરી સુધારા વધારાને અવકાશ છે. શહેરના વિકાસની દિશામાં આ યોજના ખૂબ મહત્વની બનવાની આશા છે.(૨-૯)

(11:12 am IST)
  • આગામી ૨૩ થી ૨૭ રાજકોટમાં રાજયકક્ષાનો રાસ - ગરબા મહોત્સવ : ૬૦૦ કલાકારો આવશે : રાજકોટમાં ૨૩ થી ૨૭ દરમિયાન પાંચ દિવસ રાજયકક્ષાનો રાસ ગરબા મહોત્સવ : રાજકોટના વિખ્યાત ગ્રુપો સહિત રાજયભરમાંથી વિખ્યાત ૬૦૦ કલાકારો - રાસમંડળીઓ ભાગ લેશે : ઉતારા અંગે કોર્પોરેશનને વ્યવસ્થા : કલેકટરના અધ્યક્ષપદે યુવક સેવાના અધિકારી - જીલ્લા શિક્ષણાધિકારી સાથે મહત્વની મીટીંગ યોજાઈ access_time 1:08 pm IST

  • અમેરિકા સાથે દ્વિપક્ષીય સંબંધોમાં નવી ઉર્જા મળશે : પીએમ મોદી અમેરિકા જવા રવાના : પીએમ મોદીએ આશા વ્યક્ત કરી કે તેઓના પ્રવાસથી ભારતને અવસરોની જીવંત ભૂમિ,એક ભરોસામંદ સહયોગી અને એક વૈશ્વિક નાયકના રૂપમાં રજૂ કરવામાં મદદ મળશે access_time 1:03 am IST

  • ગાંધીનગરના સચિવાલયમાંથી સરકારી ગાડી ચોરાઈ : ઘટના સીસીટીવીમાં કેદ ટાટા સુમો ચોરીને જઈ રહેલો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે તપાસ હાથ ધરી access_time 5:50 pm IST