Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

નિતિ અયોગના વિકાસ સુચકાંકને પુર્ણ કરી બોટાદ જિલ્લા શ્રેષ્ઠ બનાવવા કલેકટરની અપીલ

રીયલટાઇમ મોનીટરીંગ ડેશબોર્ડ-સી.એમ. ડેશબોર્ડ નિતિ આયોગ અંતર્ગત અધિકારીઓને વર્કશોપ યોજાયો

બોટાદ, તા.૨૦:  બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રીયલ ટાઈમ મોનીટરીંગ ડેશબોર્ડ – સી.એમ. ડેશબોર્ડ નીતિ આયોગ અંતર્ગત સબંધિત વિભાગના અધિકારીઓનો એક દિવસીય વર્કશોપ જિલ્લા કલેકટરશ્રી સુજીત કુમાર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી આશીષ કુમારની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી સુજીત કુમારે જણાવ્યું હતુ કે, રાજય સરકારના સર્વાંગી વિકાસના વિચારોને વેગ મળે સાથો સાથ નીતિ આયોગે સૂચવેલા વિકાસના સૂચકાંક પૂર્ણ થાય તે માટે પ્રત્યેક વિભાગના અધિકારીઓએ તેમને મળેલા લક્ષ્યાંકોથી પર ઉઠીને બોટાદ જિલ્લાને સર્વાંગી વિકાસક્ષેત્રે અગ્રેસર બનાવવા કટીબધ્ધ બનવું પડશે.

તેમણે નીતિ આયોગ દ્વારા કરવામાં આવેલ રીયલ ટાઈમ મોનીટરીંગમાં સમગ્ર રાજયમાં બોટાદ જિલ્લો ૧૩ મા ક્રમે છે તેમ જણાવી જિલ્લાને પ્રથમ ૧ થી ૫ માં ક્રમમાં લાવવા માટે ઉપસ્થિત અધિકારીશ્રીઓને લક્ષ્યાંક સિધ્ધિથી આગળ વધી વધુ સારી મહેનત સાથે કાર્ય કરવા ઉપર ભાર મૂકયો હતો.

 આ વર્કશોપમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી આશીષ કુમારે જણાવ્યું હતુ કે, નીતિ આયોગ દ્વારા સમગ્ર દેશમાં રીયલ ટાઈમ મોનીટરીંગ કરવામાં આવ્યું છે. જેમાં રાજયના તમામ જિલ્લામાં કાર્યરત વિવિધ વિભાગો જેવા કે, આરોગ્ય, શિક્ષણ, કૃષિ, ફાયનાન્સ, સ્કીલ ડેવલપમેન્ટ અને માળખાકિય સવલત વગેરેને ધ્યાને લઈને વિવિધ વિભાગોની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. જેના આધારે બોટાદ જિલ્લો સમગ્ર રાજયમાં ૧૩ માં ક્રમે આવ્યો છે.

તેમણે જિલ્લામાં વિવિધ વિભાગોની કામગીરીમાં ઝડપ આવે અને બોટાદ જિલ્લો નીતિ આયોગના રીયલ ટાઈમ મોનીટરીંગમાં સમગ્ર રાજયમાં અગ્રેસર બને તે માટે પ્રત્યેક વિભાગના અધિકારીઓને તેમના કામના લક્ષ્યાંકો અને તે મુજબની કામગીરીમાં તેઓ કયાં છે ? વગેરે બાબતે ચિંતન થઈ શકે તે માટે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વર્કશોપમાં શિક્ષણ વિભાગ, ખેતીવાડી અને પાણી પુરવઠા વિભાગ, નાણાંકિય શાખા, સ્કિલ ડેવલોપમેન્ટ, આરોગ્ય વિભાગ અને બેઝીક ઈન્ફ્રાસ્ટ્રકચર બાબતે સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું હતુ. જેના આધારે વિવિધ વિભાગના અધિકારી દ્વારા ચર્ચા – વિચારણા કરવામાં આવી હતી તથા જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. માઢકે કર્યું હતુ.

આ વર્કશોપમાં અધિક નિવાસી કલેકટર  બી. વી. લીંબાસીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી તથા સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતા.(૨૨.૪)

(12:11 pm IST)