Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

જસદણ પાલિકામાં ભાજપના જ મહિલા સભ્ય દ્વારા રોડ રસ્તાના કામોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ

જસદણ પાલિકામાં સભ્યોની પ્રજાહીતની અરજીનો થાય છે કચરા પેટીમાં નીકાલ : અનેક રોડ જ થઇ ગયા લાપતા : ચોમાસામાં માટીના ફેરામાં પણ ભ્રષ્ટાચાર થયાનો ખુલ્લો આક્ષેપ

જસદણ પાલિકામાં વ્હાલા-દવલાની નીતિ રખાતી હોવાના આક્ષેપ સાથે ગઇકાલે ચીફ ઓફીસરને રજુઆત કરવામાં આવી હતી. (તસ્વીરઃ વિજય વસાણી-આટકોટ) (૮.૬)

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા. ર૦ :  જસદણ નગર પાલિકાની ચૂંટણી બાદ કાયમ વિવાદમાં જ રહેતી ભાજપ શાસિત જસદણ નગર પાલિકામાં ભાજપના જ સભ્યોના જુદા જુદા ગ્રુપો બની ગયા છે. પ્રજાના કામોમાં પણ વ્હાલા-દવલાની નીતિ રખાતી હોય પાડે-પાડા બાજે એમાં ઝાડનો ખો નિકળે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

જસદણ પાલિકામાં હાલ ભાજપનું શાસન છે. પ્રજાએ ભાજપના યુવા સભ્યો ઉપર ભરોસો રાખી ખોબે-ખોબે મતો આપી કુલ ર૮ સીટોમાંથી ભાજપને ર૩ સીટો આપી છે જયારે કોંગ્રેસને ફકત પાંચ સીટોથી સંતોષ માનવો પડયો છે. આમ છતાં પ્રજાહિતના કામો ને બદલે ભાજપના સભ્યો વચ્ચેના ગ્રુપો અને ઝગડાને લીધે અમુક વિસ્તારમાં કામો થાય છે જયારે અમુક વિસ્તારો પ્રત્યે ઓરમાયું વર્તન પાલિકા પ્રમુખ જીજ્ઞેશ હિરપરા દ્વારા રખાતુ હોવાનો આક્ષેપ વોર્ડ નં. ૬ના ભાજપના મહિલા સદસ્ય વર્ષાબેન સખીયાએ કરતા પાલિકાનું રાજકારણ ફરી ગરમાયું છે.

વર્ષાબેન સંજયભાઇ સખીયાએ લેખીત નિવેદનમાં જણાવ્યું કે, અમારા વિસ્તારના રોડ રસ્તાના થયેલા નબળા કામ અને અમુક રોડ બનાવવાના હતાં તે બંધ રખાતા વોર્ડ નં. ૬ના બીજા સભ્ય અને બાંધકામ સમિતિના ચેરમેન મીઠાભાઇ છાયાણી અને આ વિસ્તારના બહેનોને લઇ ચીફ ઓફીસરને રજૂઆત કરવા ગયા હતાં ત્યારે ચીફ ઓફીસરે એવો જવાબ આપ્યો હતો કે મારૃ કંઇ ચાલે નહીં. પ્રમુખ કહે તે જ મારે કરવાનું હોય.

તેમણે વધુમાં જણાવ્યું છે કે અમુક વિસ્તારમાં હજુ ભૂગર્ભ ગટરના કામો નથી થયા એ વિસ્તારમાં પણ રોડ બનાવવામાં આવતો હોય પ્રજાના પૈસાનો ધુમાડો થઇ રહ્યો છે.

ગંદકી કે સફાઇના પ્રશ્ને ચીફ ઓફીસરને રજૂઆત કરીએ તો તેઓ ઉડાવ જવાબ આપી કહે છે મને પ્રમુખે જે સભ્યોનું કામ કરવાનું કહ્યું છે તેમનું જ થશે, આમ અમારા વોર્ડમાં રાગદ્વેષ રખાતો હોય જો આ અંગે બે દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો અમો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.

ચોમાસા દરમિયાન પણ આ વિસ્તારમાં માટીના ફેરામાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ ખુલ્લો આક્ષેપ કરાયો છે. ભૂગર્ભ ગટરની પાઇપ લાઇન તથા પાણીની પાઇપ લાઇન બાકી છે છતાં કામ પૂર્ણ કરી દેવાતા પ્રજાના પૈસાનો ધુમાડો થયો છે.

ઉલ્લેખનીય છે કે જસદણ પાલિકામાં અગાઉ શાસક પક્ષ ભાજપના જ સભ્યો એક-બીજા ઉપર સોશ્યલ મીડીયામાં એક-બીજા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા હતાં જે થોડા વખતથી આગેવાનોની સમજાવટથી બંધ થાય છે, પરંતુ  ફરી ભાજપના જ સભ્ય વર્ષાબેન સખીયા દ્વારા ભ્રષ્ટાચારના અને પક્ષપાતનો ખુલ્લો આક્ષેપ કરતા જસદણના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. (૮.૬)

(12:06 pm IST)