Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

રસ્તો બંધ કરાતા પીઠડ સહિતના ૧૦ ગામડાના વિદ્યાર્થીઓ-પ્રજાજનોને આવ-જામાં ભારે હાલાકી

ધ્રોલ, તા. ર૦ : ધ્રોલ ડેપો પરથી ઉપડતી, ધ્રોલ-બોડકા-જામનગર-બોડકા-જામનગર-મોરબી રૂટની બસો જે લતીપરથી પીઠડ થઇને અપડાઉન કરે છે તે તમામ બસો છેલ્લા આઠ દિવસથી લતીપર -પીઠડ વચ્ચેનો ૮ કિ.મી.નો માર્ગ અતિ દુરસ્ત હોઇને બંધ કરવામાં આવેલ છે. પરિણામે પીઠડ સહિતના દશ જેટલા ગામડાઓના વિદ્યાર્થીઓ-વેપારીઓ તથા પ્રજાજનોને ભારે મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે.

ધ્રોલ-જોડીયા તાલુકામાં ભારે વરસાદ અને આજી-નદીમાં આવેલા વિકરાળ પૂરને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે તબાહી સર્જાયેલ છે. મહત્વના માર્ગો અતિ બિસ્માર બની ગયેલ છે ત્યારે જીલ્લાના આગેવાનો અને અધિકારીઓએ આ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતો લઇને જાણકારી મેળવી છે, પરંતુ તાકીદે આ નુકશાની થયેલા માર્ગોને કે અન્ય જીવનજરૂરી જરૂરીયાતો અંગે તાકીદે નિર્ણયો લઇને કામગીરી હાથ ધરવી જોઇએ તેને બદલે જીલ્લાના આ કહેવાતા આગેવાનો તથા અધિકારીઓએ અખબારોમાં અહેવાલ અને તસ્વીરો પ્રસિદ્ધ કરીને સંતોષ માનેલ હોય તેવું લાગે છે.

જોડીયા તાલુકાના આ છેવાડાના દશ ગામડાઓની જનતા જો વાહન વ્યવહાર આઠ-આઠ દિવસથી બંધ છે એસ.ટી. સતાવાળાઓએ પણ જવાબદાર અધિકારીઓને આ માર્ગ રીપેર કરવા માટે જણાવેલ છે તેમ છતાં આ ભાજપની કામ કરતી સરકાર દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવેલ નથી.

ધ્રોલ-ટંકારા-વાયા લતીપર-ધ્રોલ-જોડીયા, વાયા ભાદ્રા-આમરણ સહિતની રસ્તાઓમાં પણ ઠેર ઠેર ગાબડાઓ તેમજ ખાડાઓ પડી ગયેલ છે જે અંગે પણ તાકીદે આ રીપેરીંગની કામગીરી હાથ ધરવી જોઇએ તેવી જનતાની માંગણી છે.

(1:07 pm IST)