Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

ભાજપ સરકાર વચનો પૂર્ણ કરવામાં અને આર્થિક ક્ષેત્રે નિષ્ફળઃ ભીખાભાઇ બાંભણીયા

રાજકોટ તા. ૧૯ : જસદણના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઇ બાંભણીયાએ રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવીને, ભય,ભૂખ અને ભ્રષ્ટાચાર નાબુદ કરવાના વચન સાથે સત્તા પર આવેલ ભા.જ.પ. સરકાર પોતાના વચનો પૂર્ણ કરવામાં તો નિષ્ફળ ગઇ જ છે સાથે સાથે આર્થિક ક્ષેત્રે પણ સંપૂર્ણ પણે નિષ્ફળ ગઇ હોવાનો આક્રોશ વ્યકત કર્યો હતો.

પત્રમાં ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્યું કે, ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર નાબુદ થવાનાં બદલે ભા.જ.પ. સરકારમાં ગુનાખોરી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર તથા કૌભાંડમાં અનેકગણો વધારો થયો છે. અખબારો અને ટેલીવીઝન ચેનલોમાં આવતા સમાચારો આ વાતની સાક્ષી પુરે છે. ચુંટણી દરમ્યાન ભાજપે કરેલા વાયદાઓ અને આપેલા વચનો સંદર્ભે જે કામગીરી થવી જોઇતી હતી તે કામગીરી કરવાનું ભાજપ સરકાર ભૂલી ગઇ છે. એટલું જ નહિ ભાજપનાં સત્તાધીશો, હોદ્દેદારો કે આગેવાનો પણ ભાજપ સરકારની નિષ્ફળતા સ્વીકારવા તૈયાર નથી બલ્કે સરકારના ગુણગાન ગાવામાં અને વાહવાહ કરવામાં વ્યસ્ત છ.ે

રાજયમાં અને દેશમાં હાલમાં તમામ પ્રકારનાં ઉદ્યોગો અને ધંધામાં મંદીનું વાતાવરણ છે. એન્જીન, એમ્બ્રોડરી, સ્પેરપાર્ટસ, ઓટોમાઇબાલ્સ, હિરા, ઘડીયાળ, જીનિંગ, ઓઇલ મિલ વગેરે તમામ પ્રકારનાં ઉદ્યોગો કે નાના મોટા ધંધાઓ નાણાંકીય કટોકટીનાં કારણે બંધ થતા જાય છે. અથવા તો બંધ કરવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું જાય છે. મોટાભાગનાં કારખાનાઓ કે ધંધાઓમાં મંદીને લીધે મજુરોને છુટા કરી દેવામાં આવી રહ્યા છે. અથવા તો કામકાજનાં સમયમાં ઘટાડો કરવો પડે છે. સરવાળે બેરોજગારીનું પ્રમાણ વધતું જાય છે.સામાન્ય વર્ગ, મધ્યમવર્ગ, ખેડૂત વર્ગ તથા વ્યાપારીઓની આવેદનો પ્રત્યે સહાનુભુતી દર્શાવી સરકાર મકકમપણે અને નિર્ણાયક પગલાઓ લે તે સમયની માંગ છે.

સરકારમાં સ્પષ્ટ બહુમતી હોવા છતાં વિપક્ષ (કોંગ્રેસ) મુકત ભારત બનાવવા તરફ સરકારનો ઝોક છે તે વાસ્તવમાંં ભાજપ સરકારની સત્તાલાલસા છે. સરકારનો આ દ્રષ્ટિકોણ લોકશાહી માટે ખતરારૂપ છે. તોડજોડની નીતિ અપનાવી કે હોદાની લ્હાણી કરી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, હોદ્દાની લ્હાણી કરી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, રાજય સરકારો કે રાજયસભામાં બહુમતી પૂરવાર કરીને સત્તા હાંસલ કરવાના મનસૂબા લોકશાહીમાં કોઇ રીતે વ્યાજબી નથી. સરકારે ખરા અર્થમાં લોકહિતના પગલા લેવા માટે કટિબદ્ધ બનવું જોઇએ તેમ પત્રના અંતે ભીખાભાઇ બાંભણીયાએ ઉમેર્યું હતું.

(11:43 am IST)