Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

રાણાવાવમાં જિલ્લાનું પ્રથમ સ્માર્ટ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ

પોરબંદર,તા.૨૦: બદલાતા સમય સાથે તાલમેલ જાળવવા સ્માર્ટ પોલીસ સ્ટેશન અને શાર્પ પોલીસ માટે રાજય સરકાર પ્રતિબધ્ધ છે, તેમ રાણાવાવ ખાતે રૂ.૧૨ લાખના ખર્ચે નિર્મિત પોરબંદર જિલ્લાના પ્રથમ સ્માર્ટ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરતા ગૃહ, ઉર્જા, કાયદો અને ન્યાય રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. શાતીર ગુન્હેગારો હાઇ ફાઇ થયા છે, વાઇ ફાઇ નો ઉપયોગ કરતા થયા છે, ત્યારે તેમને નેશ્ત નાબુદ કરવા પોલીસને આધુનિક ટેકનોલોજી અને તાલીમથી સુસજ્જ કરવામાં આવી રહી છે. જેના માટે રાજય સરકારે ગૃહ વિભાગને રૂ. ૬૬૧૮ કરોડનું બજેટ ફાળવ્યું છે. તેમજ છેલ્લા વર્ષોમાં ૫૦ હજાર જેટલા પોલીસ જવાનોની ભરતી કરવામાં આવી છે તેમ શ્રી જાડેજાએ જણાવ્યું હતું લોકાર્પણમાં સમારંભમાં ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ પોલીસદળની કામગીરીના ભારણને ધ્યાને લઇ માળખાગત સુવિધામાં કરેલ વધારાને સરાહનીય પગલુ ગણાવ્યુ હતું.કાર્યક્રમના પ્રારંભે જૂનાગઢ રેન્જ આઇ.જી શ્રી સુભાષ ત્રિવેદીએ સ્વાગત પ્રવચન સાથે પોલીસના આધુનિકરણ માટે રાજય સરકારે  લીધેલ પગલા તેમજ પોલીસના પ્રજાલક્ષી અભિગમની વિગતો આપી હતી.ઉદ્ઘાટન બાદ ગૃહ રાજયમંત્રીશ્રીએ પોરબંદર જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં જિલ્લા પોલીસ વડાશ્રી ડો. પાર્થરાજસિંહ ગોહિલે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનનો માધ્યમથી જિલ્લાની કાયદો વ્યવસ્થા, પોલીસ સ્ટાફ સહિતની વિસ્તૃત વિગતો આપી હતી. 

 કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નિલેષભાઇ મોરી, કલેકટરશ્રી મુકેશ પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહિયા, પૂર્વ ધારાસભ્ય કરશનભાઇ ઓડેદરા, રાણાવાવ તાલુકા પંચાયતના પ્રમુખ વર્ષાબેન સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે જિલ્લા પોલીસ વડા ડો.પાર્થરાજસિંહ ગોહિલે આભારવિધી કરી.સ્માર્ટ પોલીસ સ્ટેશનનું લોકાયાર્મ કરવામાં આવ્યું તે તસ્વીર.

(11:41 am IST)