Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

તલાટીઓના વાંકે હાજીપીર પંથકના પૂરગ્રસ્ત ચાર ગામોના ૪૦૦ માલધારી પરિવારો બેહાલ, ૫૦ પશુના મોત

મુસ્લિમ હિતરક્ષક સમિતિએ તંત્રનું ધ્યાન દોર્યુ

ભુજ, તા.૨૦: ગત અઠવાડિયે કચ્છમાં ભારે વરસાદે સર્જેલી બેહાલીને પગલે સરકાર અને તંત્રએ સર્વે હાથ ધરીને જરૂરી મદદ કરી હતી. પણ, હાજીપીર પંથકના ચારેક ગામના લોકો મુશ્કેલીમાં હોવાનું જાણવા મળતા મુસ્લિમ અગ્રણી અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ આદમ ચાકીએ નખત્રાણા તાલુકા પંચાયતના સદસ્ય આદમ લાંગાય સાથે આ ચારેય ગામોના લોકોએ જયાં અત્યારે આશ્રય લીધો છે ત્યાં નખત્રાણાના ઉઠમણી અને નરા ગામ પાસેના ડુંગરાળ વિસ્તારની મુલાકાત લીધી હતી. અહીં હાજીપીર, નાના લુણા, મોટા લુણા અને ભગાડીયા ગામના ચારસો જેટલા પરિવારોએઙ્ગ કાચા ઝૂંપડાઓ બનાવીને પોતાના ઢોરો સાથે આશરો લીધો છે. આ ગામલોકોએ આદમ ચાકી અને આદમ લાંગાય સમક્ષ રજુઆત કરી હતી કે તેમના ગામોની અંદર ભારે વરસાદ પડતાં કેડ સમાણા પાણી ભરાયા હતા તેમ જ તેમના ૫૦ જેટલા ઢોર પણ મૃત્યુ પામ્યા હતા. અત્યારે પણ હાજીપીર, નાના લુણા, મોટા લુણા અને ભગાડીયાની હાલત ખરાબ છે. પણ, વરસાદે વેરેલી આ તારાજી વિશે ગામના તલાટીઓ દ્વારા તંત્રને કોઈ પણ પ્રકારની જાણ કરાઈ નહોતી. એટલે આ ગામ લોકો સુધી તંત્રની મદદ પહોંચી નથી પરિણામે આજેય તેઓ પરેશાન છે. આવા વિપરીત સંજોગોમાં વ્યવસાયે માલધારી એવા ગામલોકોની આ પરિસ્થિતિ સંદર્ભે તંત્રનું ધ્યાન દોરવા મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા રજુઆત કરાઈ હતી. પ્રમુખ ઈબ્રાહીમ હાલેપોત્રા અને અગ્રણી આદમ ચાકીએ અધિક કલેકટર ઝાલા તેમ જ તાલુકા વિકાસ અધિકારી જાનીને રૂબરૂ મળીને તસવીરો સાથે ચારેય ગામની બેહાલ પરિસ્થિતિ દર્શાવી હતી. બન્ને અધિકારીઓ દ્વારા આ ગામલોકોને તાત્કાલિક મદદરૂપ બનવા ખાત્રી અપાઇ હતી. દરમ્યાન બન્ને આગેવાનોએ તલાટીઓના નકારાત્મક અભિગમની ઝાટકણી કાઢીને પુર ગ્રસ્ત ગામલોકોને મદદરૂપ બનવાની ખાતરી આપનાર ઉચ્ચ અધિકારીઓ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.

(11:36 am IST)