Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

કચ્છમાં મુદ્યલ સમયના વસ્ત્રો અને હસ્તકલાનું પ્રદર્શન- શ્રુજન એલએલડીસી મ્યુઝિયમમાં શુક્રવારથી પ્રારંભ

ભુજ,તા.૨૦:મૂળ ભાવનગરના અને જાણીતા ઉદ્યોગપતિ કાંતિસેન શ્રોફ પરિવાર દ્વારા કચ્છમાં જળસંચય તેમ જ હસ્તકલાક્ષેત્રે પ્રશંસનીય તેમ જ પ્રેરણાદાયી કાર્ય કરાઈ રહ્યું છે. તેમના દ્વારા ભુજની નજીક અજરખપુર ગામે બનાવાયેલ 'શ્રુજન- એલએલડીસી' મ્યુઝિયમ કચ્છના હસ્તકલા કારીગરો તેમ જ કચ્છી હસ્તકલામાં રસ ધરાવતા અભ્યાસુઓ અને શોખીનો માટે ખરા અર્થમાં કાશી બન્યું છે. જયાં સતત નવા નવા પ્રદર્શનો દ્વારા પ્રાચીન અને અર્વાચીન હસ્તકલા વિશે ઝીણવટપૂર્વકની વિસ્તૃત જાણકારી અપાય છે. અહીંની પ્રેરણા આર્ટ ગેલેરીમાં હમણાં જ ખાતેઙ્ગ 'આરી : એક ટાંકો - વૈવિધ્યસભર ભવ્ય ભરતકામ' વિશેનું પ્રદર્શન પૂર્ણ થયું છે. હવે નવા પ્રદર્શન 'ઝરી :વસ્ત્ર અને ધાતુનો સંવાદ' નો શુભારંભ તા. ૨૩ ઓગષ્ટ, ૨૦૧૯ ને શુક્રવારથી થશે.

આ પ્રદર્શનમાં 'મુઘલ સમય'થી અવિરત ચાલ્યા આવતાં ઝરદોશી વસ્ત્રોના વૈવિધ્યપૂર્ણ વારસાની બેનમૂન કલાકૃતિઓને પ્રદર્શિત કરવામાં આવશે. આ ઝરી ભરતકામના કલાત્મક પ્રદર્શનને નિહાળવા તેમ જ ઝરી કામ સંદર્ભેની જાણકારી મેળવવા શ્રુજન એલએલડીસી હસ્તકલા મ્યુઝિયમના કયુરેકટર મહેશ ગોસ્વામી દ્વારા જણાવાયું છે. અહીંની 'પ્રેરણા ગેલેરી' કચ્છના કારીગરોને સમર્પિત કરાઈ છે, જેમાં દર ચાર મહિને ભારતના વિવિધ પ્રદેશો તેમજ ભારત બહારના દેશોની અનન્ય કલાકૃતિઓના તબક્કાવાર પ્રદર્શનો યોજાતા રહે છે. જેનો મુખ્ય આશય કચ્છના કારીગરો આ વિવિધ કલાત્મક પ્રદર્શનોમાંથી પ્રેરણા મેળવે અને કંઇક નવું પણ શીખી શકે તેવો છે. જે માટે જે-તે પ્રદર્શનોમાં પ્રદર્શિત કલાકારીગરીના નિષ્ણાતો-તજજ્ઞો મારફતે પ્રશિક્ષણ અપાતા વર્કશોપ પણ ગોઠવવામાં આવે છે. આ અગાઉ આ પ્રેરણા ગેલેરીમાં 'રીલીજીયસ ટેકસટાઈલ્સ' કે જેમાં, ફડ પેઇન્ટિંગ, માતાની પછેડી અને પિછવાઈનું પ્રદર્શન તથા આરી ભરતકામ પર - 'આરીઃએક ટાંકો - વૈવિધ્યસભર ભવ્ય ભરતકામ'નું પ્રદર્શન યોજાઈ ચૂકયું છે.

(11:36 am IST)