Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

શ્રી સોમનાથ મહાદેવને શ્રાવણના બીજા સોમવારે મહામૃત્યુંજય દર્શન

મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યાઃ સૌરાષ્ટ્ર-કચ્છનાં શિવાલયોમાં ભાવિકોની ભીડ

વેરાવળ-પ્રભાસપાટણ, તા. ૨૦ :. શ્રી સોમનાથ મહાદેવ મંદિરે આજે શ્રાવણ મહિનાના બીજા સોમવારે આજે શ્રી સોમનાથ મહાદેવને 'મહામૃત્યુંજય દર્શન'નો શણગાર કરવામાં આવ્યો છે. જેના દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા.

સોમનાથ મહાદેવના દર્શને દૂર-દૂરથી સોમનાથના દર્શન માટે રવિવારના દિવસ અને રાત્રીના લોકો પગપાળા ચાલીને સોમનાથમાં પહોંચી રહેલ છે. રાત્રીના આવતા દર્શનાર્થીઓ માટે સોમનાથ મંદિરની નજીક મોટો વોટરપ્રુફ ડોમ બનાવવામાં આવેલ છે. જેમા લોકો વિશ્રામ કરશે અને સોમવારના વહેલી સવારના મોટી લાઈનોમાં ગોઠવાઈ જશે અને મંદિર ૪ કલાકે ખુલતાની સાથે દર્શન માટે ઉમટી પડશે. પ્રાંતઃ મહાપૂજાનો પ્રારંભ ૬.૧૫ થી ૭ સુધી, મધ્યાહન મહાપૂજા ૧૧ થી ૧૨ સુધી, ૧૨ થી ૧૨.૧૫ આરતી, શૃંગાર દર્શન ૫ થી ૯, દિપમાળા ૬.૩૦ થી ૮ અને સાયં આરતી ૭ થી ૭.૨૦ સુધી રહેશે.

રાત્રીના મંદિરની બાજુમાં આવેલ ડોમમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ છે.

સોમનાથ મહાદેવના મંદિરે સોમવારના ખૂબજ મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવે છે. પ્રથમ સોમવારે બે થી અઢી લાખ લોકોએ દર્શનનો લાભ લીધેલ હતો. આ બીજા સોમવારે પણ લોકોનો ધસારો રહેશે. જેથી એસ.આર.પી. પોલીસ, સોમનાથ ટ્રસ્ટી સિકયુરીટી અને જીઆરડીની ભાઈઓ-બહેનો દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.

ભારત બાર જ્યોતિર્લીંગમાંના પ્રથમ દેવાધિદેવ ભગવાન સોમનાથના દર્શને આવતા દેશ-વિશ્વના કરોડો આસ્થા ભાવિકોની લાગણી સમજી સોમનાથ ટ્રસ્ટ અધ્યક્ષ કેશુભાઈ પટેલ, ટ્રસ્ટી - સક્રિય સચિવ પ્રવિણભાઈ લહેરી તથા જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા અને પ્રોજેકટ એન્જીનીયર ઉપેન્દ્ર કોદાળા ના સંયુકત પ્રયાસોથી સોમનાથ દર્શને આવતા ભાવિકો માટે પ્રભુ દર્શનની વિશિષ્ટ સુવિધા ઉભી કરવામાં આવી છે.

અત્યાર સુધી મંદિરના સભા મંડપથી ગર્ભગૃહના મંદિર કઠોડા સુધી દર્શનાર્થીઓ પુરૂષ-મહિલા એમ બન્નેની બબ્બે લાઈનો મળી કુલ ચાર લાઈનમાં પસાર થતા હતા. જેમાં ઘણીવાર કોઈના માથા આડા આવે અગર બે પગની એડી ઉપર ઉંચા થઈ જોવાથી માત્ર જ્યોતિર્લિંગ દર્શનની ઝાંખી માત્ર થતી.

સોમનાથ ટ્રસ્ટે દર્શનાર્થીઓની આ મુશ્કેલી નિવારવા માત્ર ૧૦ કલાકની કામગીરી કરી રાત્રીના એકથી સવારના અગીયાર સુધીમાં દર્શનાર્થી પથ ઉપર એક ખાસ માળખુ બનાવ્યું. જેમાં ગેલ્વેનાઈઝડ લોખંડ સ્ટ્રકચર ઉભુ કરી તેની ઉપર ડબલ્યુસીપી ફાયબર સીટ રેલીંગની વચ્ચે ઢોળાવ સ્વરૂપે જડી દીધી અને તેનો ઢાળ એવી રીતે અપાયો કે મંદિરના સભાખંડમાંથી જેવા દર્શનાર્થી લાઈનમાં ઉભેલ કે ભલે તે છેલ્લે ઉભેલા હોય પરંતુ ત્યાંથી જ ભગવાન સદાશિવના દર્શન થાય અને જેમ જેમ લાઈન ભગવાન સુધી ખસતી જાય તેમ તેમ તેના દર્શનનું સાતત્ય-એકાગ્રતા એક સરખી જળવાઈ રહે. ફલોર સાથે આરસ જેવુ સીટ હોય મેચીંગ થઈ એકરૂપતા જળવાઈ છે. આવી પુરૂષ માટેની બે લાઈનો અને મહિલાઓ માટેની બે લાઈનો તમામ ૫૦ ફુટ સુધી ઉંચાઈ આપી ઢાળયુકત બનાવાઈ છે. આ ઢાળમાં પણ ત્રણ સ્ટેપ આપવામાં આવ્યા છે અને આ ઢાળ ફલોરથી દોઢ ફુટ ઉંચો અપાયેલ છે જેમાં દર્શનાર્થી ઢાળથી કયુમાં જેમ જેમ આગળ વધે તેમ તેમ વધુને વધુ દર્શન સુખ પ્રાપ્તિ સાથે છેલ્લે મુળ ભગવાન મંદિરના કઠોડા પાસે પહોંચે ત્યારે ઝીરો લેવલ થાય અને સંજોગવસાત મંદિરના કઠોડા પાસે વિશેષ દર્શનાર્થી પણ જો કોઈવાર હોય તો પણ લાઈનના દર્શનાર્થીને સરળતાથી દર્શન કરી શકે કારણ કે દર્શનાર્થીનો દર્શનપથ ઉંચો હોય છે જ્યારે પ્રથમ હરોળ ઢાળનો છેલ્લો ભાગ હોય છે.

સોમનાથ ટ્રસ્ટે પવિત્ર શ્રાવણ માસમાં જ અને કાયમી ધોરણે આ વ્યવસ્થા ઉભી કરી લાખો-કરોડો આસ્થાળુઓની મનોકામના પુરી કરી છે. જે વ્યવસ્થા કદાચ ગુજરાતના એક માત્ર આ મંદિરમાં કરાયેલ હોવાનું સુંદર અનુભૂતિ અનુભવતા યાત્રિકો કહે છે.(

(11:39 am IST)