Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

સુરેન્દ્રનગરમાં પેટ્રોલનો લિટરનો ભાવ રૂ.૧૦૦ને પાર થતા કોંગ્રેસનો વિરોધ

મોંઘવારી સામે પ્રદર્શન : પંપ પર પેટ્રોલ પૂરાવનાર ગ્રાહકોને કોંગ્રેસે લોલીપોપ આપી વિરોધ નોંધાવ્યો

વઢવાણ,તા.૨૦: છેલ્લા કેટલાયે સમયથી પેટ્રોલ - ડીઝલના વધતા જતા ભાવ સામાન્ય વર્ગને દઝાડી રહયા છે ત્યારે સુરેન્દ્રનગરમાં પેટ્રોલના ભાવે સદી વટાવી દેતા કોંગ્રેસે તેનો નવતર વિરોધ નોંધાવ્યો હતો. અને પેટ્રોલ પૂરાવનાર ગ્રાહકોને લોલીપોપ આપી હતી.

રવીવારે પેટ્રોલનો ભાવ ૧૦૦.૦૫ રૂ. પહોંચતા સુરેન્દ્રનગર - વઢવાણ કોંગ્રેસ સમીતીના પ્રમુખ ગિરીરાજસિંહ ઝાલા સહીતના આગેવાનો - કાર્યકરોએ માર્કેટીંગ યાર્ડ સામે આવેલ પેટ્રોલ પંપ ઉપર જઈ પેટ્રોલના ભાવ વધારાનો અનોખો વિરોધ કર્યો હતો. પેટ્રોલ પૂરાવવા આવતા ગ્રાહકોને કોંગ્રેસના કાર્યકર્તાઓએ જણાવ્યુ હતુ કે, ૨૦૧૪માં પ્રજાને અનેક વચનો આપ્યા હતા તેમાં પેટ્રોલ ૩૫ રૂ.માં આપીશુ તેવુ વચન પણ આપ્યુ હતુ. જયારે આજે પેટ્રોલ રૂ. ૧૦૧માં વેચાય છે. સરકાર દ્વારા આ લૂંટ ચલાવાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતો રહે છે પરીણામે મોંઘવારી બેકાબુ બની છે. ડીઝલના ભાવ વધારાને કારણે જીવન-જરૂરી ચીજવસ્તુના ભાવોમાં પણ વધારો થયો છે. દૂધ-રાંધણગેસ, શાકભાજી, અને જીવન જરૂરી ચીજવસ્તુના ભાવોમાં વધારો થતા સામાન્ય મધ્યમવર્ગના લોકોની હાલત કફોડી બની ગઈ છે.

(11:34 am IST)