Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

મુંબઇ, રાજસ્થાન અને મધ્યપ્રદેશની વિવિધ દુર્ધટનાઓમાં મૃતકોનાં પરિવારજનોને મોરારિબાપુ તરફથી સહાય

ભાવનગર-કુંઢેલી,તા.૨૦ :  તાજેતરમાં રાજેસ્થાનના જયપુર ખાતે આકાશી વીજળી પડતાં ૧૯ જેટલા લોકોના મૃત્યુ થયા હતા. આ દિવસોમાં પૂજ્ય મોરારીબાપુની રામકથા શ્રીનાથજી-નાથદ્વારા ખાતે ચાલતી હતી. એ ૧૯ મૃતકોના પરિવારજનોને પૂજ્ય બાપુની સુચનાનુસાર તત્કાલ સહાય રામકથાના યજમાન દ્વારા વિતરિત કરવામાં આવનાર છે. એ જ પ્રમાણે ગઈકાલે મુંબઈના ચેમ્બુર અને વિક્રોલી ખાતે ભારે વરસાદને લીધે ભૂસ્ખલન થતાં ૩૨ જેટલા લોકોએ પોતાનાં પ્રાણ ગુમાવ્યા છે જેની વિગતો મેળવવામાં આવી રહી છે. મુંબઈ મહાપાલિકાના સૂત્રો પાસેથી તેની વિગતો મળે એ મુજબ તે હતભાગી લોકોના પરિવારજનોને પણ સહાયતા રામકથાના મુંબઈ સ્થિત શ્રોતાઓ દ્વારા વિતરિત કરવામાં આવશે. તમામ મૃતકોના પરિવારજનોને સાંત્વના રૂપે પાંચ હજારની સહાયતા મોકલવામાં આવશે.

 મધ્યપ્રદેશનામાં કૂવો ધસી પડતા પણ ૧૯ જેટલા લોકો મૃત્યુ પામ્યા છે. એમના પરિવારજનોને પણ તત્કાલ સહાયતા અર્થે પૂજ્ય બાપુ દ્વારા શ્રી હનુમાનજીની સાંત્વના રૂપે રાશિ પહોંચાડવામાં આવશે. ત્રણેય દુર્ઘટનાઓમાં માર્યા ગયેલ વ્યકિતઓની સંખ્યા ૭૦ જેટલી છે જેની કુલ સહાય ૩,૫૦,૦૦૦ રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર થાય છે. તમામ મૃતકોના નિર્વાણ માટે પૂજ્ય બાપુએ શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે અને તેમનાં પરિવારજનોને દિલસોજી પાઠવી છે. તેમ જયદેવભાઈ માંકડની યાદીમાં જણાવાયું છે. 

(11:33 am IST)