Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

"હું કચેરીમાં સુરક્ષિત નથી' ભુજ આરટીઓના મહિલા અધિકારીની લેખિત અરજીથી ખળભળાટ

એજન્ટોના અડિંગા વચ્ચે લાયસન્સ માટે આવેલ યુવતીની છેડતી બાદ ખુદ મહિલા અધિકારીની ફરિયાદથી ચકચાર

(વિનોદ ગાલા દ્વારા ભુજ) રાજ્ય સરકારના મહિલા સુરક્ષાના દાવાઓ વચ્ચે ખુદ સરકારની કચેરીમાં જ એક મહિલા અધિકારી સુરક્ષિત નથી એવી ફરિયાદ ચોંકાવનારી છે. ભુજની આરટીઓ કચેરીમાં થોડા સમય પહેલાં જ લાયસન્સ માટે ટ્રેક ઉપર પરીક્ષા આપી રહેલ યુવતીની છેડતી થયાની ઘટનાના પડઘા હજી શમ્યા નથી ત્યાં જ ખુદ કચેરીના મહિલા અધિકારીએ પોતે આરટીઓ કચેરીમાં સલામત ન હોવાની કરેલી લેખીત રજૂઆતે ચકચાર અને ચર્ચા સાથે મહિલા સુરક્ષા સામે સવાલો સર્જ્યા છે. ભુજની આરટીઓ કચેરીમાં કાર્યરત એક માટે મહિલા અધિકારીએ આ અંગે કચેરીના મુખ્ય અધિકારી સી.ડી. પટેલને પત્ર લખ્યો છે. જેમાં અડિંગો જમાવીને બેઠેલા એજન્ટો દ્વારા અભદ્ર ટિપ્પણીઓ સાથે કરાતી ગાળાગાળી થી તેઓ માટે એક મહિલા તરીકે અક્ષોભનીય પરિસ્થિતિ સર્જાતી હોવાનું જણાવ્યું છે. ભય ના વાતાવરણ વચ્ચે પોતે વતનથી દૂર એક મહિલા તરીકે ફરજ બજાવવી કપરી હોવાનું આ મહિલા અધિકારીએ જણાવ્યું છે. જોકે, કચ્છ જિલ્લા આરટીઓ અધિકારી સી. ડી. પટેલે આ મહિલા અધિકારીને પોલીસ બંદોબસ્ત માટે વાત કરી હોવાનું પણ તેમણે આ મહિલા અધિકારીએ આ માટે ના પાડી હોવાનું જણાવ્યું હતું. જોકે, લેખિત ફરિયાદ બાદ યોગ્ય કાર્યવાહી કરીને જરૂરી પગલાં ભરાયાં હોવાનું પણ શ્રી પટેલે કહ્યું હતું. જોકે, અરજીમાં કોઈનો પણ નામ ઉલ્લેખ નથી, પરંતુ એ અરજી પશ્ચિમ કચ્છ એસ્પીને મોકલી દેવાઇ છે.

(9:47 am IST)