Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

કચ્છના ત્રણ ગામોની અનોખી પહેલ: બાલિકા પંચાયતની ચૂંટણી અને રચના

કુનરીયા ગામે ભારતી ગરવા, મસ્કા ગામે વિધિ રાજગોર અને મોટા અંગીયા મધ્યે પુજા ગરવા બન્યા બાલિકા પંચાયતના સરપંચ

(વિનોદ ગાલા દ્વારાભુજ) દેશમાં રાજકીય ક્ષેત્રે અને વહીવટમાં મહિલાઓની ભાગીદારી વધે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે બેટી પઢાઓ અને બેટી બચાઓ પહેલ અન્વયે મહિલા સશક્તિકરણ અર્થે વિવિધ કાર્યક્રમો યોજાય છે. આવા જ એક જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત કચ્છના ત્રણ ગામોએ એક અનોખી પહેલ કરી છે. આ અનોખી પહેલ એટલે બાલિકા પંચાયત!! કેવી રીતે થઈ છે આ બાલિકા પંચાયતની રચના અને તેની પાછળનો ઉદ્દેશ્ય? આવો જાણીએ, ભુજ તાલુકાના કુનરીયા, માંડવી તાલુકાના મસ્કા અને નખત્રાણા તાલુકાના મોટા અંગીયા ગામે કરેલી આ પહેલ વિશે!! કુનરીયા ગ્રામ પંચાયત દ્વારા આયોજિત ૧૦ થી ૨૧ વર્ષની ૪ દિકરીઓની બાલિકા પંચાયત ચુંટણીમાં ૨૧ વર્ષિય ભારતીબેન હરિભાઇ ગરવા વિજેતા બન્યા છે.

લોકતાંત્રિક પ્રક્રિયાથી  અઠવાડિયા થી ચાલેલી ચુંટણી પ્રક્રિયા હેઠળ આજે ગામના ૬ વોર્ડમાંથી ૪૧૦ મતદાતાઓ દ્વારા સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જે પૈકી આજે કુલ ૨૦૯ માંથી ૧૧૭ વોટથી ભારતીબેન ગરવા બાલિકા પંચાયત કુનરીયાના સરપંચ તરીકે પસંદ કરાયા હતા. એક વર્ષ માટે કુનરીયા બાલિકા પંચાયતના સરપંચ તે તરીકે સેવા આપવાના છે.

કુનરીયા સરપંચ સુરેશભાઇ છાંગા આ તકે જણાવે છે કે, “કુનરીયાની કિશોરીઓ આવી બાલિકા પંચાયતની ચૂંટણીથી મતદાનની પ્રવૃતિની જાણકાર બની છે. ત્રિસ્તરીય પંચાયતી રાજમાં ૫૦ ટકા મહિલા અનામતને અસરકારક બનાવવા બાલિકા પંચાયતનો અનુભવ ઉપયોગી થશે. કિશોરીઓનો વહીવટી પ્રક્રિયામાં પ્રવેશથી ચોક્કસ વિષયો પર ધ્યાન પડશે જેમકે આરોગ્ય, શિક્ષણ, પોષણક્ષમ આહાર ઇત્યાદિ વગેરે જેમાં કિશોરીઓના જનજાગૃતિના કાર્યક્રમ, કિશોરીઓ માટે રમત ગમત કાર્યક્રમ, કિશોરીઓના પોષક આહાર અને કૌશલ્યવર્ધન તાલીમ અપાશે, કિશોરીઓના પ્રેરણા પ્રવાસ કરાશે.

બાલિકા પંચાયત આસપાસના ગામોમાં પણ આવી પ્રવૃત્તિ થાય અને બધા ગામોમાં આવી પંચાયત થયા બાદ એક ફેડરેશનની રચના કરી જિલ્લા વહીવટી તંત્ર પાસે કિશોરીઓના હિત સંબંધિત નીતિ વિષયક રજૂઆતો કરશે. કુનરીયા ગ્રામ પંચાયત અને બેટી બચાઓ બેટી પઢાઓ સેલના સંયુક્ત પ્રયાસો દ્વારા કિશોરીઓના પ્રશ્નોને વાચા આપવા બાલીકા પંચાયતની સ્થાપના કરવામા આવી છે. આ પંચાયતનો ઉદેશ કિશોરીઓ સક્રિય રાજકારણમાં રસ લે અને લોકશાહી પધ્ધતિથી ચુટણી પ્રક્રિયામા ભાગ લઇ બહેનોનો અવાજ બને”.

ભારતીબેન ગરવા સિવાય બાલિકા પંચાયતની ચુંટણીમાં તૃષાલિબેન સુથાર, સુમરા અફસાના, રૂબીના નોડેએ ઉમેદવારી નોંધાવી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન દવે આ સમગ્ર પ્રક્રિયાની અમલવારીમાં અગ્રેસર રહયા અને તેમણે કચ્છના ત્રણ ગામને આ માટે પસંદ કર્યા છે. કચ્છના મસ્કા, કુનરીયા અને મોટા અંગીયા ગામમાં પ્રાથમિક ધોરણે બાલિકા પંચાયતનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

માંડવીના મસ્કા ગામે પણ બાલિકા પંચાયતમાં સરપંચ તરીકે વિધિબેન રાજગોરની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. હાલે તેઓ ધોરણ ૧૧માં ભણે છે એમ સરપંચ કિર્તીભાઇ ગોર જણાવે છે. ૧૫ થી ૨૧ વર્ષની દીકરીઓની અમે પસંદગી કરી હતી પરંતુ સર્વાનુમતે અમે વિધિબેનને પસંદ કર્યા છે.

જયારે અંગીયા ગામે બાલિકા પંચાયતના સરપંચ તરીકે પુજાબેન કલ્યાણજી ગરવા બિન હરીફ પસંદગી પામ્યા છે. સરપંચ ઈકબાલ ઘાંચી કહે છે કે હાલે તેઓ ભુજમાં સોશ્યલ વર્ક અંગે નો અભ્યાસ કરે છે.

રાજયના મહિલા સશકિતકરણમાં આ બાલિકા પંચાયત ચુંટણી પાયાની કામગીરી કરશે.

(9:40 am IST)