Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

રાજકોટ જિલ્લાનાં ૧૧ તાલુકાનાં ૫૩૩ ગામોમાં ડ્રોન દ્વારા માપણી કરી જી.આઈ.એસ. પધ્ધતીથી અંદાજે ૫ લાખ મિલ્કત ધારકોને પ્રોપર્ટીકાર્ડ અપાશે

એક ગામની માપણી કરતા ૬ મહિના થતા હવે ૩૦ મીનીટ થશે-ભારત સરકારના પંચાયતરાજ મંત્રાલય દ્વારા ઓનલાઇન વીડીયો કોન્ફરન્સ યોજાઇ

રાજકોટ :ભારત સરકારનાં પંચાયત મંત્રાલય દ્વારા વિડીયો કોન્ફરન્સનું આયોજન થયેલ જેમાં  અધિક મુખ્ય સચિવ, મહેસુલ વિભાગ તેમજ તમામ જિલ્લા કલેક્ટરઓ જોડાયા હતા. જેમાં ભારત સરકારનાં પંચાયતરાજ મંત્રાલય દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં મિલ્કત ધારકોને પ્રોપર્ટીકાર્ડ આપવાની મહત્વકાંક્ષી યોજનામાં ડ્રોન ટેક્નોલોજીથી માપણી કરવા માટે રાજ્ય-ભારત સરકારનાં સર્વે ઓફ ઇન્ડીયા, પંચાયત વિભાગ તથા મહેસુલ વિભાગ દ્વારા સંયુક્ત રીતે કામગીરી હાથ ધરાનાર છે.આ બાબતે વિસ્તૃત મહિતી આપવામાં આવી હતી.આ યોજનામાં દેખરેખ તેમજ અમલ સારૂ ત્રિસ્તરીય સમિતીની રચના કરવામાં આવેલ છે. જેમાં કેન્દ્રિય કક્ષાની સમિતી, રાજ્ય કક્ષાની સમિતી, જિલ્લા કક્ષાની સમિતી બની છે.
  આ યોજનાની માપણી Continues Operating Reference Systemના માધ્યમથી ડ્રોન ટેક્નોલોજી દ્વારા થનાર છે. ડ્રોન દ્વારા એક ગામની માપણી અંદાજે ૩૦ મિનીટમાં કરવાનું સંભવ બનશે .જે અગાઉ અંદાજે ૬ મહિનાનાં સમયમાં થતી હતી. જેથી વિવિધ ગામનાં લોકોને ઝડપથી પ્રોપર્ટીકાર્ડ આપવાનું શક્ય બનશે.
રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ આ યોજના અંગે રાજય અને કેન્દ્ર સરકારના આયોજન અને માર્ગદર્શિકા મુજબ રાજકોટ જિલ્લામાં કરવાની થતી કામગીરી સમીક્ષા કરી હતી.રાજકોટ જિલ્લાનાં ૧૧ તાલુકાનાં ૫૩૩ ગામોમાં ડ્રોન દ્વારા માપણી કરી જી.આઈ.એસ. પધ્ધતીથી કો-ઓર્ડીનેટ આધારીત કોમ્પ્યુટરાઇઝ બેઝ અંદાજીત ૫ લાખ મિલ્કત ધારકોને પ્રોપર્ટીકાર્ડ આપવામાં આવશે.
ડ્રોનથી માપણી કર્યા બાદ કાચો નક્શો જે તે મિલ્કત ધારકોને નોટિસ દ્વારા વિતરણ કરવામાં આવશે. જેમાં વાંધા સુચન સાંભળી આખરી પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરાશે. પ્રોપર્ટીકાર્ડ તૈયાર થયા બાદ જી.આઈ.એસ. પધ્ધતીથી વેંચાણ, વહેચણ, એકત્રીકરણ જેવી બાબતોની નિભાવણી કરવામાં આવશે.
     વિડીયો કોન્ફરન્સ પુર્ણ થયા બાદ જિલ્લા કક્ષાની સમિતીની બેઠકનું આયોજન કરવામાં આવેલ. જેમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે લોધીકા તથા કોટડા સાંગાણી તાલુકાનાં ગામોની પસંદગી બાબત વિચારણા કરવામાં આવી હતી. દરેક ગામોનાં પંચાયતનું રેકર્ડ અદ્યતન રાખવા ઠરાવવામાં આવ્યું હતુ.

(7:57 pm IST)