Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

કાલથી શ્રાવણનો પ્રારંભઃ ખાસ કાર્યક્રમો રદ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં માત્ર શિવજીના દર્શન કરી શકાશેઃ કોરોનાને લીધે સામુહિક કાર્યક્રમો બંધ

વાંકાનેર : વાંકાનેર નજીક બિરાજમાન શ્રી જડેશ્વર મહાદેવ તથા સુંદર પ્રકૃતિનો નજારો જોવા મળે છે. (તસ્વીર : નિલેશ ચંદારાણા -વાંકાનેર)

રાજકોટ તા. ર૦ :.. સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં પવિત્ર પાવનકારી શ્રાવણ માસનો કાલે તા. ર૧ ને મંગળવારથી ઓમ નમઃ સિવાયના નાદ સાથે પ્રારંભ થશે. જો કે, હાલ કોરોના મહામારીને લઇને શિવાલયો, ધર્મસ્થાન દ્વારા કોવિડ-૧૯ ની સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ શિવાલયો, ધર્મ સંસ્થાનોમાં સોશિયલ ડીસ્ટન્સ જાળવી સાદાઇથી શ્રાવણ માસ ઉજવવાનાં આયોજનો કરાયા છે.

શિવ ભકતો માત્ર ભગવાનનાં દર્શન કરી શકશે. મેળા, લઘુરૂદ્ર, ભંડારા, ભોજન પ્રસાદ, ઉતારા વગેરે સંક્રમણના ભયના ઓથારતળે બંધ રહેશે. કોઇ ધાર્મિક ઉત્સવો ઉજવાશે નહીં. ભાવિકો માસ્ક પહરેલ નિયમોને અનુસરીને માત્ર દર્શન કરી શકશે. ઘણાં સ્થળોએ પૂજા, અર્ચના, ધૂપ-દીપ નિષેધ ફરમાવ્યા છે. ૬પ વર્ષની ઉપરની વયના, સગર્ભા સ્ત્રી, બાળકોને દર્શનાર્થે ન આવવા પણ અપીલ કરાઇ છે.

વાંકાનેર

વાંકાનેર :..  વાંકાનેરથી ૧૦ કિ. મી. દુર આવેલ પ્રસિધ્ધ સ્વયંભુશ્રી જડેશ્વર મહાદેવ મંદિરે કોરોના સંક્રમણ ના ભયને ધ્યાનમાં લઇ મંદિરના મહંતશ્રી અને ટ્રસ્ટીઓએ ભાવીકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી આ વર્ષ શ્રાવણ માસ દરમ્યાન મંદિરમાં માત્ર સવારે ૭ થી ૧૧ અને બપોરે ર થી ૬ વાગ્યા સુધી શ્રધ્ધાળુ માટે સોશ્યલ ડીસટન્ટસ સાથે ભગવાન ભોળાનાથના દર્શન કરી શકશે.

દર વર્ષ યોજાતો લોક સાંસ્કૃતિક મેળો, મંદિરમાં રહી જડેશ્વર દાદાની પુજા અર્ચન તેમજ ભાવીકો દ્વારા યોજાતા લઘુરૂદ્ર, ભંડારા, મહાપ્રસાદ યાત્રીકો અને ભાવિકો ભુદેવોને રહેવા માટે અપાતા રૂમની સગવડો સંપૂર્ણ પણે બંધ રાખવામાં આવી છે.

આ ઉપરાંત સરકારશ્રીના આદેશ અને ગાઇડ લાઇનને ધ્યાનમાં રાખી ૧૦ વર્ષની નાની ઉમરના બાળકો અને ૬પ વર્ષથી વધુ ઉમરના વડીલોને મંદિર પરિષદમાં પ્રવેશ આપવામાં આવશે નહીં જેની જાહેર જનતા અને સ્વયંભૂ શ્રી જડેશ્વરદાદાના સર્વે અનુયાયીઓને જાણ કરતા મંદિરના મહંતશ્રી રતીલાલજી મહારાજ લઘુમહંત જીતેન્દ્રપ્રકાશજી તથા ટ્રસ્ટીઓએ યાદીમાં જણાવ્યું છે.

ધારી

ધારી : અમરેલી જીલ્લાના ધારી મુકામે ૧રપ વર્ષો પુરાણું સુપ્રસિધ્ધ યાત્રા સ્થળ દર્શનીય પાર્વતીપરમેશ્વરધામ શ્રી જીવનમુકતેશ્વર મહાદેવ મંદિર આશ્રમમાં સાન્નિધ્યમાં ભાવસભર વાતાવરણમાં શ્રધ્ધાભકિતપૂર્વક શ્રાવણ માસની ઉજવણી થશે. ઇલેકિટ્રક લાઇટ ડેકોરેશન, પુષ્પરંગોળી અને નુતન વસ્ત્રાલંકારોની દર્શનીય શોભા થશે. વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શિવ રૂદ્રાભિષેક થશે. કોરોનાની મહામારીના સંકટને દૂર કરવાની શિવજીને સામુહિક પ્રાર્થના થશે. આરતીની પ્રસાદીમાં રક્ષણાત્મક સંૂઠ-હળદરનું પાણી  આપવામાં આવશે. દર્શનનો સમય પ્રતિદિન સવારે ૬ થી ૧ર અને સાંજે ૩ થી ૭ નો રહેશે. દરેક દર્શનાર્થીએ સરકારી તંત્રની સુચના મુજબ માસ્ક, સેનેટરાઇઝર અને પાંચ ફુટ અંતરના સોશિયલ ડીસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે જયાં છેલ્લા ૧રપ વર્ષોથી હર હર મહાદેવ અને હરભોલેના નામનો ગુંજારવ થઇ રહ્યો છે, જયાં અનેક દર્શનાર્થીઓની મનોકામનાઓ સફળ થાય છે, તેવા શહેરના કોલાહલ, પ્રદુષણ, ઘોંઘાટથી મુકત, શેત્રુંજી નદીને કાંઠે નૈસર્ગિક કુદરતી સૌન્દર્યથી પરિપૂર્ણ, રમણીય, પર્યાવરણના બેનમુન પ્રાકૃતિક સ્થળ જીવનમુકેશ્વર મહાદેવના આશ્રમમાં શ્રાવણ માસની ઉજવણીમાં યજમાન થવા ઇચ્છતા સર્વે ભાવિકોને જીવનમુકતેશ્વર મહાદેવ સમિતિનો સંપર્ક કરવાનું સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

ગોંડલ

ગોંડલ : ગોંડલમાં પરમ પવિત્ર શ્રાવણ માસ તા. ર૧-૭-ર૦ મંગળવારથી શ્રી શિવજીના બધા જ મંદિરોમાં ભાવિકો શિવભકતોની સવારથી રાત્રી સુધી શિવપૂજન, અર્ચન, દર્શન, આરતીઓ માટે પુરા શ્રાવણ માસ દરમ્યાન ખુબ ખુબ જ ભીડ રહે છે. જેને અનુલક્ષી શ્રી શિવ પરિવાર દ્વારા અનોખો નિર્ણય. કોરોના વાયરસ ચેપી રોગને કારણે સરકારશ્રીના નિર્ણય નિયમ અનુસાર, ભીડ વગર ડીસ્ટસમાં રહી મંદિરોમાં ક્રમવાર શિવપૂજન, દર્શન કરવા વિનંતી પ્રાર્થના. ગોંડલના પ્રસિધ્ધ શિવ મંદિરો, શ્રી સુરેશ્વર મહાદેવ મંદિર, શ્રી ધારેશ્વર મંદિર, શ્રી કાશી વિશ્વનાથ મંદિર, શ્રી રામેશ્વર મંદિર, શ્રી પંચનાથ મંદિર, શ્રી મેઘનાથ મંદિર, શ્રી ભવનાથ મંદિર, શ્રી નિલકંઠ મંદિર, શ્રી ગોપનાથ મંદિર, શ્રી જાગનાથ મંદિર, શ્રી  જડેશ્વર મંદિર, શ્રી ભુવનેશ્વર મંદિર, શ્રી ભીડભંજન મંદિર, શ્રી કુબેરનાથ મંદિર, શ્રી પીપળેશ્વર મંદિર, શ્રી મંગલેશ્વર મંદિર, શ્રી બુઢ્ઢેશ્વર મંદિર, શ્રી હાટકેશ્વર મંદિર, શ્રી કોટેશ્વર મંદિર, શ્રી નાગનાથ મંદિર, શ્રી મુકતેશ્વર મંદિર, શ્રી ભુતનાથ મહાદેવ મંદિર વિગેરે ઘણા શ્રી શિવજીના મંદિરો છે જે ઘરથી નજદીક હોય અનુકુળતા હોય ત્યાં શિવપુજા પાઠ, દર્શન કરવા ઘેર બેઠા પણ ભગવાન શિવજીની પુજા નામ સ્મરણ કરવું. મહામૃત્યુંજય મંત્ર, ઓમ નમઃશિવાય, જપતપ કરવાથી બધા જ રોગદોષનો ખાત્મો નાશ થાય છે. તેમાં કોઇ શંકા નથી. કુદરત દેવોના દેવ મહાદેવ છે. શ્રાવણ માસમાં શ્રી શિવ ભકિત અનિવાર્ય છે. વિશ્વભરમાં શિવ મહીમા અનંત છે. ગોંડલમાં મંદિરોમાં પુજારીઓ, ભુદેવો, મહંતો, પુજા, અભિષેક, દિપમાળા, આરતી, ધર્મલાભ અનુક્રમ ક્રમ ગોઠવી આપશે. ગોંડલ-રાજકોટ આપણો મહાન દેશ શિવમયી બનશે. શ્રી શિવમયી વાતાવરણ ખડું થશે જ. શ્રી ભીડ ભંજન મંદિરમાં જે શ્રી શિવ પરિવાર દ્વારા ૩૦ વર્ષથી શ્રાવણના સોમવારે રાત્રીના ધુન સંકિર્તન થતાં તે સાંજના ૩ શિવ ભકતો કરી લેશે. પુજારી શ્રી વસંત મહારાજ તેમજ શ્રી શાસ્ત્રી ભજનીક નટુભાઇ રાવલ, શ્રી શિવ પરિવાર સદસ્યો શ્રી કમલ ચંદારાણા, શ્રી મહેશભાઇ ખજુરવાળાના જય મહાદેવ. ભોળનાથ સૌનું સારૃં કરે તેવી દિનેશકુમાર વિઠલદાસની યાદીમાં જણાવ્યું છે.

(3:43 pm IST)