Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

કલ્યાણપુરનાં સુર્યાવદર પાસે બાઈક આડે કુતરૂ આવતા પતિની નજર સામે પત્નિનું મોત

ખંભાળીયા, તા. ૨૦ :. કલ્યાણપુરના ભાટવડીયાના રાજાભાઈ વરજાંગભાઈ કાલર અને તેમના પત્ની હિમાબેન (ઉ.વ. ૩૫) બન્ને પોતાનુ મોટર સાયકલ લઈ આશીયાવદર ગામે કુળદેવીના મંદિરે દર્શન કરવા જતા હોય ત્યારે સુર્યાવદર ગામ નજીક બાઈક આડે કુતરૂ ઉતરતા બાઈક સ્લીપ થઈ જવાથી પાછળ બેઠેલા હિમાબેનને શરીરે ગંભીર ઈજાઓ થવાથી તાત્કાલીક સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યુ હતું.

ભાટીયામાં જુગાર રમતા બે ઝડપાયા-ચાર છનન

ભાટીયાના જૂના હરીજનવાસમાં જેઠીદાસ બાવાદાસની મકાનની ડેલી પાસે જાહેરમાં તિનપત્તીનો જુગાર રમતા જેઠીદાસ બાવાદાસ ચાવડા, દેવા પાલા ડગરાને રોકડ રૂ. ૯૭૦૦ તથા મોબાઈલ નંગ ૩ મળી કુલ રૂ. ૧૫,૭૦૦ની મત્તા સાથે ઝડપી પાડયા હતા જ્યારે રેઈડ દરમ્યાન માલા મંગા, નાથા માંડા માતંગ, દેવશી મેઘવાર, નરેશ રાણા ભાગી છૂટતા તમામ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વસઈમાં દારૂની ભઠ્ઠી ઝડપાઈ

દ્વારકા તાલુકાના વસઈ ગામે એસપી કચેરીના સ્ટાફ દ્વારા રેઈડ કરવામાં આવતા વાડીના મકાનમાંથી દેશી દારૂ લિટર ૧૨૦, આથો લિટર ૯૦૦, દારૂ ગાળવાની નળીઓ નંગ ૩, ગેસનો ચૂલો અને બાટલો, પ્લાસ્ટીકની ટાંકી સહિત મળી કુલ રૂ. ૧૨,૩૬૦નો મુદામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. રેઈડ સમયે વાડી માલિક વિઘાભા અઘાભા તથા ભીખુભા અજુભા હાજર નહી મળતા તેને ફરાર જાહેર કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ખંભાળિયા માર્કેટીંગ યાર્ડ નજીક અકસ્માતમાં આધેડનું મોત

ખંભાળિયાના હંજડાપર ગામે રહેતા નાનજી ગોકરભાઈ કણજારીયા પોતાનુ મોટર સાયકલ લઈ ગત તા. ૧૫ના રોજ ખંભાળિયા માર્કેટીંગ યાર્ડ જતા હોય ત્યારે સામોર નજીક રસ્તામાં કુતરૂ બાઈક આડે ઉતરતા ગાડી સ્લિપ થવાથી પડી જતા ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેમનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું.

વસઈમાં યુવાને ઝેરી દવા પી લેતા મોત

દ્વારકાના વસઈ ગામે રહેતો ભાવુભા કેશુભા માણેક (ઉ.વ. ૨૫)ના યુવાને ગત તા. ૧૯ના કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.

(1:19 pm IST)