Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

કાલે જુનાગઢ કોર્પોરેશનની ચૂંટણીનો મહા જંગ

ભાજપના પ૬, કોંગ્રેસનાં ૪૯, એનસીપીના રપ, સીપીએમનાં ૧ તથા અપક્ષ ઉમેદવારો મેદાનમાં ૧૪ વોર્ડની ચૂંટણી માટે તંત્ર સજ્જ

જૂનાગઢ તા. ર૦ :.. જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણી માટે મતદાનનું કાઉન્ટ-ડાઉન શરૂ થઇ ગયુ હતું. આવતીકાલે સવારે ૮ થી સાંજના પાંચ દરમ્યાન મતદાન થવાનું હોય તંત્ર સજ્જ થઇ ગયુ છે.

જૂનાગઢ કોર્પોરેશનના કુલ ૧પ વોર્ડની કુલ પ૭ બેઠકોની સામાન્ય ચૂંટણી યોજાઇ છે. જેમાં કુલ ૧પ૬ ઉમેદવારો મેદાનમાં ભાજપના પ૬ ઉમેદવારો છે જેમાં વોર્ડ નં. ૩ માંથી ભાજપના ત્રણ ઉમેદવારો બિનહરીફ થયા હોય ભાજપના પ૬ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે.

કોંગ્રેસના ૪૯ ઉમેદવારો, એનસીપીના રપ અને સીપીએમનાં એક તેમજ અપક્ષ  સહિતના ઉમેદવારો આ ચૂંટણીમાં પોતાનું ભાવિ અજમાવી રહયા છે.

કુલ ર,૩૮,૧૧૬ મતદારો ર૯૬ મતદાન મથકો ખાતે મતદાન કરશે. કુલ મતદારોમાં ૧,રર,પ૭ર પુરૂષ અને ૧,૧પ,૪પર સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે.

મતદાન પ્રક્રિયા માટે કુલ ૩૬૦ ઇવીએમ અને ૧૩૦૭ પોલીંગ સ્ટાફની ગોઠવણ કરવામાં આવી છે.

ગઇકાલે સાંજે જાહેર પ્રચાર પડઘમ શાંત થતાં આજે સવારથી રાજકીય નેતાઓ, ઉમેદવારો, તેમજ તેમના સમર્થકો વગેરેએ મતદારોનો ડોર ટુ ડોર સંપર્ક શરૂ કર્યો છે.

આ ચૂંટણીમાં ફરી જીત મેળવી અને શાસન હાંસલ કરવા માટે ભાજપે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, અને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફીયા, ચૂંટણી ઇન્ચાર્જ નીતીનભાઇ ભારદ્વાજ, મહિલા મોર્ચાનાં શ્રીમતી અંજલીબેન વિજયભાઇ રૂપાણી સહિતનાં વરિષ્ઠ નેતાઓએ પાર્ટીના ઉમેદવારોનો પ્રચાર કરેલ.

સામા પક્ષે કોંગ્રેસનાં અધ્યક્ષ અમિતભાઇ ચાવડા, પ્રદેશ અગ્રણી હેમાંગભાઇ વસાવડા વગેરેએ પ્રચાર કર્યો હતો.

એનસીપી ઉપરાંત અપક્ષોએ પણ જીત મેળવવા પ્રચાર માટે રાત-દિવસ એક કર્યા હતાં.

મનપા ચૂંટણીને લઇને કલેકટર ડો. સૌરભ પારઘી, ઓર્બ્જવર જયપ્રકાશ શિવહરે, મ્યુનિ. કમિશ્નર તુષાર સુમેરા સહિતનાં અધિકારીઓ સજ્જ છે તમામ બાબત પર નજર રાખી રહ્યા છે.

છેલ્લે ર૦૧૪ માં પ૪.૧૭ ટકા મતદાન થયો હતું. આ વખતે એક મતદારે ચાર ઉમેદવારને મત આપવાના છે. દરેક વોર્ડમાં બે સીટ પુરૂષ અને બે બેઠક મહિલા માટે છે.

બપોરથી ઇવીએમ મશીનોને બુથ પર લઇ જવાની કામગીરી શરૂ કરવામાં આવેલ. અને સાંજ સુધીમાં પોલીંગ સ્ટાફ તેની ફરજ સંભાળી લેશે.

રવિવારે તમાામ મતદારો અચુક મતદાન કરીને લોકશાહીનાં આ પર્વમાં સામેલ થાય તેવી અપીલ તંત્ર તરફથી કરવામાં આવી છે.

રવિવારે મતદાન પુર્ણ થયા બાદ તમામ ઇવીએમ સીલ કરી કૃષિ ઇજનેરી કોલેજ ખાતેનાં સ્ટ્રોંગ રૂમમાં રાખી દેવાશે ત્યાં જ બાદમાં ર૩ જૂલાઇએ સવાર ૮ વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે.

કાલે કેટલુ મતદાન થાય છે અને મંગળવારે કોની જીત થાય છે તે જોવુ રહ્યું.

(11:47 am IST)