Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

ખેત તળાવડી અને શૌચાલય બનાવવામાં ૭૭ લાખનું કૌભાંડ કરનાર કચ્છના બે કોન્ટ્રાકટરની ધરપકડ

મુખ્ય આરોપી ગુજરાત ગ્રામ વિકાસ એજન્સી ભુજના પ્રોજેકટ મેનેજર માધા મૂળા પરમારની પૂછપરછ બાદ પોલીસે કરી કાર્યવાહી

ભુજ, તા.૨૦: સરકારની પ્રજાલક્ષી યોજનાનો દુરુપયોગ કરનારા સરકારી અધિકારી અને કોન્ટ્રાકટર વિરુદ્ઘ ભરાયેલા આકરા પગલાં એ કચ્છના સરકારી અને કોન્ટ્રાકટર વર્તુળોમાં સનસનાટી મચાવી છે.

ભુજ તાલુકાના રેહા ગામે ખેતતળાવડી અને શૌચાલય બનાવવા માટે ૭૭ લાખ રૂપિયાનું બિલ પાસ કરાવનાર કોન્ટ્રાકટરો અલીમામદ ઇબ્રાહિમ સમા અને શિવુભા જીવણજી જાડેજાએ કામ કર્યા વગર જ ૭૭ લાખ રૂપિયા ઓળવી જઈને છેતરપિંડી કરી હતી.

આ કિસ્સામાં ત્રણ વર્ષ પૂર્વે થયેલી ફોજદારી ફરિયાદમાં બન્ને કોન્ટ્રાકટરોની ભુજ એ ડિવિઝન પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે. કૌભાંડમાં મુખ્ય આરોપી ગ્રામ વિકાસ એજન્સીના પ્રોજેકટ મેનેજર એવા માધા મૂળા પરમારે આગોતરા જમીન મેળવ્યા છે. પોલીસે તેમની પૂછપરછને પગલે બે કોન્ટ્રાકર ની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

(11:30 am IST)