Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર અને પિનાકી મેઘાણીના પિતા નાનકભાઇ ઝવેરચંદ મેઘાણીની ચોથી પુણ્યતિથિ

પોતાના દરેક સંતાનના જન્મદિવસે ઝવેરચંદ મેઘાણી તેમને પુસ્તકો ભેટ આપતા

રાજકોટ તા. ૨૦ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી મેઘાણીના પિતા નાનકભાઈ ઝવેરચંદ મેઘાણીએ ૨૦ જુલાઈ ૨૦૧૪ના રોજ આપણી વચ્ચેથી વિદાય લીધી. એમની ચોથી પુણ્યતિથિએ વિશ્વભરમાંથી મેઘાણી-ચાહકો અને સાહિત્ય-પ્રેમીઓએ ભાવભીની ભાવાંજલિ અર્પણ કરી છે. ભારતના પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ, તે સમયે, સ્વ. નાનકભાઈના નિધન અંગે ઊંડા દુઃખની લાગણી વ્યકત કરી હતી જે ખાસ ઉલ્લેખનીય છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના ત્રીજા સંતાન નાનકભાઈનો જન્મ ભાવનગરમાં ૨૯ ડિસેમ્બર ૧૯૩૧ના દિવસે થયો હતો. જોડિયા-પુત્રો મસ્તાન-નાનક માંડ એકાદ વર્ષના હતા ત્યારે માતા દમયંતીબેનનું નિધન થયું. શાળા-શિક્ષણ બોટાદ, કડી અને અમદાવાદમાંથી મેળવીને મુંબઈની વિલ્સન કોલેજમાંથી ભૌતિક-વિજ્ઞાન (physics) વિષય સાથે નાનકભાઈ સ્નાતક (graduate) થયા. અભ્યાસમાં ખૂબ તેજસ્વી. ઝવેરચંદ મેઘાણી કહેતા : 'બુકસેલર તો પોતાના શહેરનો જ્ઞાનમાળી બની શકે'. આમાંથી પ્રેરણા લઈને નાનકભાઈ છેલ્લા પાંચ દાયકાઓથી વધુ પુસ્તક-વ્યવસાય સાથે સંકળાયેલા રહ્યા. શરૂઆતના પાંચેક વર્ષ મોટાભાઈ મહેન્દ્રભાઈ મેઘાણી સાથે ભાવનગર સ્થિત લોકમિલાપમાં કાર્યરત રહ્યા. ત્યારબાદ રાજકોટમાં ધર્મેન્દ્રસિંહજી કોલેજની સામે 'સાહિત્ય મિલાપ'ની સ્થાપના ૧૯૬૧માં અને  અમદાવાદ ખાતે 'ગ્રંથાગાર'ની સ્થાપના ૧૯૭૭માં કરી. ઉત્ત્।મ પુસ્તકો વાંચકો અને ખાસ કરીને યુવા પેઢી સુધી પહોચે તે માટે તેઓ આજીવન કાર્યશીલ રહ્યા હતા. પુસ્તકો તેમના માટે આજિવિકાનું સાધન નહિ પણ તેમનું જીવન હતુ. તેઓ હમેશાં કહેતા : `I am a book lover and not a book-seller. ગુજરાતી સાહિત્ય અને ભાષામાં સવિશેષ રસ અને સૂઝ ધરાવતા. અંગ્રેજી અને સંસ્કૃત ભાષા પર પણ સારું પ્રભુત્ત્વ. નિજાનંદ માટે લખતા. ભાવનગરથી પ્રગટ થતા 'મિલાપ'માસિકમાં મોટાભાઈ મહેન્દ્રભાઈ મેઘાણી સાથે સહાયક તરીકે કાર્ય કર્યું હતુ. મહેન્દ્રભાઈ સાથે ર્ીંકોન-ટિકિ', 'તળાવડીને આરે' જેવા પુસ્તકોનો અંગ્રજીમાંથી ગુજરાતી અનુવાદ પણ કરેલો. 'અલ્પાચમન જ્ઞાનોદધિ કેરું'(offering but a drop from the ocean unbound that knowledge is) જેવું પ્રેરક-સૂત્ર તેઓએ સંસ્કૃતમાં લખેલું.

પોતાના દરેક સંતાનનાં જન્મદિવસે, વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલાં પોતાના પુસ્તકો, ઝવેરચંદ મેઘાણી તેમને અચૂક ભેટ આપતા. દરેક પુસ્તકમાં સંતાન પર લાગણીભર્યો સંદેશો લખીને નીચે પોતાની સહી કરે. સંતાનો પણ પોતાના જન્મદિવસે 'બાપુજી'ની આ મહામૂલી ભેટનો આતુરતાપૂર્વક રાહ જોતા.પોતાના એક જન્મદિવસે, બંધુ-બેલડી નાનક-મસ્તાન 'બાપુજી'ને વ્હાલથી ભેટ્યા અને ચરણ-સ્પર્શ કરીને આશીર્વાદ મેળવ્યા. ભેટ-પુસ્તકોમાં 'લિ. ઝવેરચંદ'તરીકે પિતા સહી કરવા જતા હતા, ત્યાં જ બન્ને ભાઈઓ કહે  'બાપુજી, ઝવેરચંદ તરીકે સહી કેમ ?' પ્રેમાળ પિતા તરત જ પોતાના વ્હાલા પુત્રોની લાગણી પામી ગયા અને 'બાપુજી'તરીકે સહી કરી.

આલેખન : પિનાકી નાનકભાઈ મેઘાણી

(મો. ૯૮૨૫૦૨૧૨૭૯)

(3:54 pm IST)