Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

સોરઠમાં પૂરગ્રસ્તોની વ્હારે અધિકારીઓ

જયેશભાઇ રાદડિયાની અધ્યક્ષતામાં જુનાગઢ - વિસાવદરમાં બેઠક યોજાઇ

જૂનાગઢ તા.૨૦ : જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી અત્રતત્ર સર્વત્ર વરસાદી પાણી ચોમેર છવાઇ ગયુ છે. ઉપરવાસનાં ભારે વરસાદનાં કરાણે માણાવદર, કેશોદ, મેંદરડા અને વંથલી તાલુકામાં વરસતા વરસાદનાં પાણી નીચાણવાળા વિસ્તારમાં ફેલાતા જિલ્લા પ્રભારીમંત્રીશ્રીની સુચના પ્રમાણે  કલેકટર સહિત તમામ પ્રાંત અને જિલ્લા વિકાસ અધિકારી પુરપ્રકોપ અસરગ્રસ્તોની વહારે ધસી ગયા હતા. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના પગલે આજે જિલ્લા વહીવટી તંત્રએ સતત બીજા દિવસે પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા અને લોકોને મદદ કરવા આપતી વ્યવસ્થાપન ની શ્રેષ્ઠ કામગીરી કરી હતી.

માળીયા હાટીના તાલુકાનાં ચોરવાડ નજીક આવેલ મેઘલ નદીમાં ઘોડાપુર આવતા નદીનાં સામકાંઠે ચાર વ્યકિત ફસાયા હોવાની જાણ તંત્રને થતાં જિલ્લા કલેકટરશ્રી બચાવ અને રાહતની કામગીરી સાથે સંકળાયેલ ટીમ સાથે બનાવનાં સ્થળે તાબડતોબ પહોંચી ગયા હતા. બનાવ સ્થળે પહોંચી મેઘલનાં પુરમાં ફસાયેલ વ્યકિતઓ પાસે કોઇ સંપર્ક થાય તેમ ના હોય અને મેઘલનાં ઘોડાપુર તરીને સામે કાંઠે પહોંચવા શું વ્યવસ્થા કરવી તેની બારીકાઇથી સમીક્ષા કરી નેશનલ ડિજાસ્ટર રીલીફ ફોર્સનાં જવાનોને બચાવ કામગીરીમાં જોડ્યા હતા. સાથે સાથે આવશ્યકતા જણાતાં હેલીકોપ્ટરની મદદ લેવાની પણ સુચનાઓ આપી દેવામાં આવી હતી. સંયોગે સંપર્ક વીહોણા ફસાયેલ લોકોની નદીનાં સામકાંઠે સુપાસીનાં સીમ વિસ્તારમાં સહીસલામત જાતે પહોંચી ગયા છે અને તે હવે સલામત છે તેવી જાણ થતાં તંત્રએ રાહત અનુભવી હતી.ચોરવાડમાં રેસ્કયૂ મોનીટરીંગ માટે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રવીણ ચૌધરી,આસીસ્ટન્ટ કલેકટરશ્રી ગંગાસિંહ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.મેંદરડાના પ્રાંત અધિકારી શ્રી જે.સી દલાલ, માળીયાહાટીના મામલતદાર શ્રી ચમાર અને તાલુકા વિકાસ અધિકારી શ્રી પંચોલી તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી ચારુબેન અને સમગ્ર જૂનાગઢ અને  માળીયાહાટીના ની ટીમ આ રાહત બચાવ કામગીરીમાં પહોંચી ગઈ હતી.

માળીયાહાટીના તાલુકાના લાછડી ગામે આઠથી દસ ઘરમાં પાણી ઘુસી જતા આ ગામમાં પણ રાહત-બચાવની કામગીરી કરી લોકોને સલામત રીતે બહાર કાઢયા હતા.અંદાજે ૧૦ વ્યકિતઓને સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી. માંગરોળ તાલુકાના ફરંગટા ગામમાં પણ ઉપરવાસથી પાણી આવતા લોકોને સાવચેત કરાયા હતા. ઘોડાદર ગામમાં પણ લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા. કેશોદ પ્રાંત અધિકારી તેમજ મેંદરડા માણાવદર પ્રાંત અધિકારી અને મામલતદાર તથા અન્ય કર્મચારીઓ અધિકારીઓ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી.

પ્રભારી મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા જૂનાગઢમાં સમીક્ષા બેઠક બાદ વિસાવદર તાલુકામાં અધિકારીઓ સાથે બેઠક કરી સમીક્ષા કરી ચોરવાડ પહોંચ્યા હતા. વિસાવદર તાલુકાની ટીમે ચાપરડા માંડાવડ મોણીયા મોણીયા સહિતના ગામોની મુલાકાત લીધી હતી માળિયા હાટીના તાલુકા ની ટીમે વાંદરવડ દુધાળા ધરમપુર સરકડિયા કેરાળા અને કડીયા સહિતના ગામોની મુલાકાત લીધી હતી મેંદરડા ની ટીમે દાત્રાણા તેમજ જીંજુડા સહિતના ગામોની મુલાકાત લીધી હતી.

જૂનાગઢ જિલ્લામાં પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂમાં છે અને ઘેડ વિસ્તારમાં પણ હવે પાણી ઉતરવામાં છે સદનસીબે જિલ્લામાં કોઈ નોંધપાત્ર બનાવ બન્યો નથી અને જાનહાની ટળી છે. જિલ્લા કલેકટરે ઘેડ વિસ્તારમાં પાણી ભરાયા હતા એવા ગામમાં સ્થાનિક તંત્ર અને કર્મચારીઓ દ્વારા કરાયેલી કામગીરી ને બિરદાવી હતી. જૂનાગઢ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન ના કારણે ૩૦૦ થી વધુ ચેકડેમ અને નાના મોટા તળાવ ઊંડા થયા હોવાથી વિશેષ જળરાશીનો થયો છે. અને મોટાભાગના ડેમો પણ છલકાઇ ગયા છે. જિલ્લાનો પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો છે. તો ચોમાસાની સિઝન ઉપરાંત રવી સીઝનમાં પણ ફાયદો થાય તેવી આશા છે. જિલ્લામાં થયેલા સારા વરસાદથી ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળે છે.

મેંદરડા પ્રાંત શ્રી જે. સી .દલાલ, કેશોદ પ્રાંત રેખાબા સરવૈયા, વિસાવદરના શ્રી વાળા અને માણાવદરના પ્રાંત શ્રી કેયુર જેઠવા અને જિલ્લાના મામલતદારશ્રીઓ આજે દિવસભર પુરગ્રસ્ત વિસ્તારમાં ખડેપગે કાર્યરત રહ્યા હતા. (તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(12:51 pm IST)