Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

જામજોધપુર તાલુકામાં રૂબેલા - ઓરી રસીકરણ અભિયાનનો પ્રારંભ

જામજોધપુર તા.૨૦ : શહેરી વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તારમાં ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે. જામજોધપુરની વિઝન સ્કુલ ખાતે ઉદઘાટન કાર્યક્રમમાં જામજોધપુર - લાલપુર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયાના હસ્તે રસીકરણ કામગીરીની શરૂઆત દિપપ્રાગટય કરી કરવામાં આવી હતી.

તાલુકામાં ૨૯ હજાર (૯ માસથી ૧૫ વર્ષ સુધી)ના બાળકોને રસીકરણ અભિયાનમાં આવરી લેવામાં આવશે. તાલુકાના સાત પ્રા.આ. કેન્દ્રો તથા સીએચસી વિસ્તારમાં આ કામગીરી ટીમો બનાવીને કરવામાં આવી રહી છે.

વિઝન સ્કુલ ખાતે યોજાયેલ આ ઉદઘાટન કાર્યક્રમમાં ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયાએ પોતાના પુત્રને ઓરી - રૂબેલાની રસી અપાવી એક ઉમદા ઉદાહરણ પુરૂ પાડયુ હતુ.

આ પ્રસંગે પાલિકા પ્રમુખ સોનલબેન જાવિયા જીલ્લા ટી.બી. અધિકારી, ડો.ભારતીબેન ધોળકીયા, તાલુકા હેલ્થ ઓફીસર ડો.જે.આર.પટેલ, ડો.ભાલીયા, વિઝન સ્કુલના આચાર્યા શ્રી અભિષેક કટારીયા, તાલુકા હેલ્થ સુપરવાઇઝર ડી.બી.અપારનાથી, સંજય સાંજવા, જયદીપ અપારનાથી, ધવલભાઇ, પરીમલ પરમાર, આરોગ્ય સ્ટાફ, શિક્ષણ સ્ટાફ, આશાબેનો, આંગણવાડી કાર્યકર બહેનો હાજર રહ્યા હતા.

રસીકરણ અભિયાનને સફળતા મળે તે માટે વિઝન સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા રેલી પણ યોજવામાં આવી હતી. તાલુકા હેલ્થ ઓફીસર ડો.જે.આર.પટેલ દ્વારા તાલુકાના તમામ વાલીઓને પોતાના ૯ માસથી ૧૫ વર્ષ સુધીના બાળકોને ઓરી અને રૂબેલા રસીકરણ અપાવી લેવા જણાવાયું છે.

(11:50 am IST)