Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળી સામે સુરતમાં દુષ્કર્મનો ગુન્હો

કોંગી કાર્યકરો પહોંચી ગયાઃ ઘર્ષણ સર્જાતા ધરપકડઃ યુવતિને પો.કમિ. પાસે જવા દેવાના બદલે સીધા ક્રાઇમ બ્રાન્ચે લઇ ગયા

ભુજ, તા.૨૦: સુરતની એક યુવતીએ થોડા દિવસ પહેલા પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ જેન્તી ભાનુશાલી વિરુદ્ઘ દુષ્કર્મ ની અરજી કરી હતી. જેને પગલે જેન્તીભાઈએ પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપી દીઘું હતું. ત્યારબાદ અરજી આપનાર યુવતી અચાનક ગુમ થઈ ગઈ હતી. ગઈકાલે ગુમ થઇ ગયેલી યુવતી અચાનક પોલિસ મથકે હાજર થઇ હતી અને પોતાની ફરિયાદ લખાવી હતી. લાંબા નિવેદન અને પુછતાછ પછી પોલિસે આ મામલે જયંતિ ભાનુશાલી સામે દુષ્કર્મ અંગેની ૩૭૬ સહિતની કલમ તળે સુરતના સરથાણા પોલિસ મથકે ફરીયાદ નોંધી છે અને તેની તપાસ ઝોન-૪ના મહિલા DCP લીના પાટીલને સોંપી છે. જોકે, આ મુદ્દો પોતાની સામે રાજકીય કાવતરાનો છે એવી વાત પણ જેન્તીભાઈએ કરી હતી. તે વચ્ચે રાજકીય ડ્રામા અને યુવતી એ પોલિસને ગેરમાર્ગે દોરવા માટે અરજી કરી છે તેવી વહેતી થયેલી વાતો અને ચર્ચા બાદ હવે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થયુ છે. અને જયંતિભાઈ સામે અંતે યુવતીની ફરીયાદ નોંધીને પોલિસે મેડીકલ સહિતની તપાસ પણ શરૂ કરી દીધી છે. કચ્છ ના પૂર્વ ધારાસભ્ય અને કચ્છ ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ જયંતિભાઈ ભાનુશાલી આમ તો કચ્છ ભાજપના એક એવા નેતા છે, જે હમેંશા કોઇને કોઇ કારણોસર ચર્ચામાં રહ્યા છે. પહેલા તેઓ નખત્રાણામા એલસીબીએ ઝડપેલ લોટ પ્રકરણમાં ચર્ચામાં આવ્યા હતા.

પછી ગૌચર જમીન પર દબાણનો મામલો કે બોગસ મંડળીઓ તેમની કથીત સંડોવણી. આક્ષેપો અને જયંતીભાઈ વિવાદરૂપી સિક્કાની બે બાજુ હોય તેમ આસપાસ રહયા છે. તેમના મત વિસ્તારમાં તેમની આંતરીક જુથ્થબંધી માટે પણ તેઓ ચર્ચામાં રહેતા હોય છે. પરંતુ હવે મનીષા ગોસ્વામીના પ્રકરણ બાદ બીજા જ એવા એક કાંડમાં તેમનુ નામ સામે આવ્યુ છે. જેમાં યુવતીએ ન માત્ર દુષ્કર્મ ની ફરીયાદ નોંધાવી પરંતુ મજબુત પુરાવા પણ આપ્યા છે. જેમાં જયંતીભાઈ દુષ્કર્મ કરી રહયા હોય તેવો એક વિડિઓ પણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પોલીસ ફરિયાદ માં યુવતીએ ફેશન ડીઝાઇન મા અભ્યાસ કરવા કોલેજ એડમીશન માટે પોતે જેન્તીભાઈને મળી હોવાનો ઉલ્લેખ કરીને જેન્તીભાઈએ પોતાને એડમીશન માટે ગાંધીનગર બોલાવી કાર માં દુષ્કર્મ આચરી તેની વિડિઓ કલીપ ઉતારી હોવાનો આક્ષેપ કર્યો છે. જેમાં ડ્રાઇવર અને અન્ય એક શખ્સ પણ હાજર હતા એવું જણાવ્યું છે. ત્યારબાદ બીજીવાર ગાંધીનગરની જાણીતી હોટેલમાં જેન્તીભાઈએ પોતાને બોલાવીને તાબે થવા દબાણ કર્યું હતું. જોકે, ૨૧ વર્ષની કોલેજીયન યુવતીનો એ આરોપ ચોંકાવનારો છે કે, જેન્તીભાઈએ તેને કિલપના દબાણ દ્વારા બ્લેકમેઇલ કરીને ભાજપના અન્ય નેતાઓ સાથે સંબધ બાંધવા દબાણ કર્યું હતું.

 પણ આ અંગે બીજા કોઈ પણ પુરાવા હમણાં તેણીએ આપ્યા નથી. સાથે સાથે જેન્તીભાઈએ એક પેન ડ્રાઇવ આપીને તેમાં તેની અશ્લીલ વીડિયો કલીપ હોવાનું કહી તેની ઉપર દબાણ લાવી ને અમુક કાગળોમાં સહી કરવી લીધી હોવાનું યુવતીએ ફરિયાદમાં લખાવ્યું છે. સુરત પોલીસમાં ૧૪ કલમો હેઠળ જેન્તીભાઈ વિરુદ્ઘ ફરિયાદ નોંધાઇ છે. કુલ ૪ જણા જેમાં જેન્તીભાઈ, કારચાલક મહેન્દ્ર, બન્દુકધારી અને કાગળમાં સહી કરાવવા આવેલ અજાણ્યા ઇસમ સામે પોલીસે ગુનો નોંધ્યો છે.

જો ભાજપના આંતરીક સુત્રોનુ માનીએ તો જેન્તીભાઇએ મનિષા ગોસ્વામી વિરુદ્ઘ બ્લેકમેઇલીંગ ની જયારથી ફરીયાદ કરી ત્યારથી જેન્તીભાઇના રાજકીય શુભચિંતકોએ આ કેસની ઉંડાઇથી અને તે કિસ્સાની કચ્છમા થઈ રહેલી ચર્ચા થી ભાજપના પ્રદેશ મોવડી મંડળને વાકેફ કર્યા હતા. પરંતુ ભાજપના જુના વગદાર નેતા હોવાથી ભાજપે આ મામલે થોભો અને રાહ જોવોની નીતી અપનાવી હતી. પરંતુ જયારે સુરતમા અરજી થઇ ત્યારે સ્વેચ્છાએ નહી પરંતુ ભાજપ દ્વારા જ જેન્તીભાઇની રાજકીય શાખ બચાવવા મામલે તેમની પાસેથી રાજીનામુ માંગી લેવામાં આવ્યું હોવાનું સૂત્રોએ દાવો કર્યો હતો. જેને પગલે તેમણે પણ રાજકીય ડ્રામા સાથે રાજીનામુ આપી પોતાનો બચાવ કર્યો હતો. જો કે આજે જેન્તીભાઇ સામે ફરીયાદ થતા હવે નજીકના ભવિષ્યમાં તેમની સામે કડક કાર્યવાહી ભાજપ કરે તો નવાઇ નહી. તેવી ચર્ચા જાગી છે.

દરમ્યાન ગઇકાલે બપોરે અચાનક યુવિત ખાનગી કારમાં પોલીસ કમિશ્નર કચેરીએ હાજર થતાં અને તે સમયે જ કોંગ્રેસના કાર્યકરો પણ ત્યાં આવી ચઢતાં ધમાચકડી મચી ગઇ હતી. પોલીસ યુવતિને પોલીસ કમિશ્નરને મળવાને બદલે ક્રાઇમબ્રાંચ ખાતે લઇ ગઇ હતી.  દરમિયાન કોંગ્રેસ કાર્યકરો પોલીસ વચ્ચે ઘર્ષણ બાદ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરાઇ હતી.

(12:28 pm IST)