Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

જસદણના વિરપર ભાડલામાં શેઢા પડોશીએ તારમાં વહેતા કરેલા કરંટથી પરષોત્તમભાઇ સોલંકીનું મોત

ભુંડ-રોજડા ખેતરમાં ન ઘુસે એ માટે લોખંડના તારની ફેન્સીંગમાં સુરેશભાઇ કોળીએ રાત્રે શોર્ટ ગોઠવ્યો હતોઃ રાજકોટની હોસ્પિટલમાં દમ તોડ્યોઃ બે પુત્રોએ પિતાનું છત્ર ગુમાવ્યું: કોળી પરિવારમાં ગમગીની એક ભુંડનું પણ વિજકરંટથી મોત

રાજકોટ તા. ૨૦: જસદણના વિરપર ભાડલામાં એક ખેડૂતે પોતાની વાડીમાં રાત્રે  ભુંડ-રોજડા ઘુસી ન જાય એ માટે વિજળીના તારમાં વિજ પ્રવાહ વહેતો કર્યો હોઇ તેનાથી અજાણ શેઢા પડોશી કોળી આધેડ તારને અડી જતાં કરંટ લાગતાં તેમનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. કરંટને કારણે એક ભુંડ પણ મરી ગયું હતું.

 

જાણવા મળ્યા મુજબ વિરપર ભાડલા રહેતાં પરષોત્તમભાઇ જેરામભાઇ સોલંકી (ઉ.૪૩) નામના કોળી આધેડ રાત્રે દસેક વાગ્યે વાડીના શેઢે આટો મારી રહ્યા હતાં ત્યારે શેડા પડોશી સુરેશભાઇ લાખાભાઇ લીંબડીયા (કોળી)એ શેઢા પર તારમાંં વિજ કરંટ વહેતો કર્યો હોઇ તેને હાથ અડી જતાં જોરદાર કરંટ લાગતાં બેભાન થઇ ગયા હતાં. સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોડી રાત્રે મોત નિપજ્યું હતું.

મૃતક ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્રો સાગર અને જીજ્ઞેશ છે. જેમાં એક પરિણીત છે. પત્નિનું નામ કાંતાબેન છે. પુત્ર સાગરના કહેવા મુજબ વાડીમાં વિજપ્રવાહ વહેતો કર્યાની શેઢા પડોશીએ જાણ પણ કરી નહોતી. એક ભુંડનું પણ કરંટ લાગતાં મોત નિપજ્યું હતું. ભાડલા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૫)

(10:49 am IST)