Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

ગઢડામાં ઝાડ પર ફાંસો ખાઈ પ્રેમી પંખીડાની આત્મહત્યા

યુવકે લાલ શર્ટ પહેર્યો હતો : આત્મહત્યા કરનારા યુવક યુવતીઓ પૈકીમાંથી યુવકની આધારકાર્ડના આધારે શક્તિના નામે ઓળખ થઈ છે

બોટાદ,તા.૨૦ : રવિવારના દિવસે જ્યારે લોકો દેવદર્શને જવાનું પસંદ કરતા હોય છે ત્યારે ગઢડામાં આવેલા મઘરીયા ખોડિયાર માતાના મંદિરની બહાર જ એક પ્રેમી પંખીડાઓએ આપઘાત કરી લીધો છે. પોતાના પ્રેમને અંજામ સુધી ન પહોંચાડી શકવાના કારણે યુવક-યુવતીઓએ આ પગલું ભર્યુ હોવાનું સામે આવ્યું છે. જોકે, યુવક પાસેથી મળી આવેલા આધારકાર્ડના આધારે તેની ઓળખ થઈ છે. યુવતીએ બ્લેકકલરનો ડ્રેસ પહેર્યો હતો જ્યારે યુવકે લાલ શર્ટ પહેર્યો હતો. બંને પ્રેમીઓએ પહેલા દર્શન કર્યા હોય અને બાદમાં આપઘાત કરી લીધો હોવાની આશંકા સેવાઈ રહી છે.

      પ્રેમીઓ અગાઉ પણ આવી રીતે મંદિરમાં લગ્ન કરી અને આપઘાત કરી લેતા હોવાના બનાવો આવ્યા છે જોકે, આ કિસ્સામાં એવું કઈ સામે આવ્યું નથી. પોલીસની પ્રાથમિક તપાસમાં બંને પ્રેમીઓ દોરી સાથે લીમડાના વૃક્ષ પર ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. આધારકાર્ડના આધારે યુવકની ઓળખાણ થઈ જતા પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી અને આ દિશામાં તપાસ શરૂ કરાવી છે. જોકે, યુવતી કોણ છે તેના અંગે કોઈ માહિતી મળી શકી નથી. આત્મહત્યા કરનારા યુવક યુવતીઓ પૈકીમાંથી યુવકની આધારકાર્ડના આધારે શક્તિના નામે ઓળખ થઈ છે. યુવક બોટાદ જિલ્લાના જ ગામનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ મામલે યુવકના પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. આમ પ્રેક પ્રકરણમાં વધુ એક જોડાએ જિંદગી હોમી નાખી છે.

(7:45 pm IST)