Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

પોરબંદર જિલ્લામાં કાલે વિશ્વ યોગ દિને ૫૮૯ સ્થળોએ સામૂહિક યોગઃ ૧,૧૬ લાખથી વધુ લોકો જોડાશે

ચોપાટીમાં મુખ્ય યોગ કાર્યક્રમઃ જવાહર ચાવડા સહીત મહાનુભાવો ઉપસ્થિત રહેશેઃ નરેન્દ્રભાઇ મોદીના પ્રેરક સંદેશાઓનું જીવંત પ્રસારણનું આયોજન

પોરબંદર, તા.૨૦: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સક્રીય પ્રયાસોની ૨૦૧૪માં યુ.એન.માં ભારતીય યોગ પરંપરાને વૈશ્વિક સ્વીકૃતી મળી અને ૨૦૧૫ થી દર વર્ષે તા.૨૧ જુનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કિ થયુ છે. જેના ભાગરૂપે સમગ્ર પોરબંદર જિલ્લામાં ૫૮૯ સ્થળોએ ૧.૧૬ લાખથી વધુ લોકો સામુહિક યોગ અભ્યાસમાં જોડાશે. સવારે ૬ થી ૮ કલાક સુધી યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.

પોરબંદર જિલ્લા પ્રભારી અને પ્રવાસન, મત્સ્યોદ્યોગ મંત્રી જવાહરભાઇ ચાવડા ચોપાટી ખાતે યોજાનાર મુખ્ય કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેશે. જિલ્લા કલેકટર મુકેશ પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહિયા, જિલ્લા પોલીસ વડાશ્રી ડો.પાર્થરાજસિંહ ગોહિલ,   પ્રાંત અધિકારી કે.વી.બાટી સહિત અધિકારીઓ પદાધિકારીઓ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થશે. આ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રેરક સદેશાનુ પણ જીવંત પ્રસારણ કરવામાં આવશે.

સનાતન હિન્દુ ધર્મમાં પણ યોગ પ્રાણાયમ સાધનાનું આગવુ મહત્વ છે. ઉપરાંત યોગ એ માત્ર શારિરિક કસરત નથી પરંતુ જીવનશૈલી સાથે જોડાયેલા માનવતાના આદર્શ સિધ્ધાંતો છે. આથી જ સમગ્ર રાજયની સાથે પોરબંદર જિલ્લામાં ધાર્મિક ઐતિહાસિક પ્રવાસન સ્થળો માધવપુર, કિર્તીમંદિર, જાંબુવંતી ગુફા, સાંદીપની હરીમંદિર, આર્યકન્યા ગુરૂકુળ તેમજ બગવદર સુર્યમંદિર ખાતે 'યોગ ફોર હાર્ટ કેર' થીમ સાથે યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.

યોગ દિવસની ઉજવણી – જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન તળે અધિક કલેકટરશ્રી મહેશ જોષી, પ્રાંત અધિકારીશ્રી કે.વી.બાટી, ચીફ ઓફિસરશ્રી હુદડ, જિલ્લા યુવા વિકાસ અધિકારી રસિક મકવાણા, જિલ્લા શિક્ષણ કચેરનાશ્રી સોની સહિત જિલ્લા વહિવટીતંત્ર અધિકારીઓ યોગ દિવસને સફળ બનાવવા જહમત ઉઠાવી રહ્યા છે.

રાણાવાવના વનાણામાં રાત્રીસભા

રાણાવાવ તાલુકાના વનાણા ગામે તા.૨૧ જુનનાં રોજ સાંજે ૦૮-૦૦ કલાકે રાત્રીસભા યોજાશે. જિલ્લા કલેકટરશ્રી મુકેશ પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા અને તાલુકા કક્ષાનાં તમામ વિભાગના અધિકારીશ્રીઓ આ સભામાં ઉપસ્થિત રહી સરકારશ્રીની વિવિધ યોજનાઓથી ગ્રામજનોને માહિતગાર કરવા સાથે તેમના પ્રશ્નો તથા રજુઆતો સાંભળવામાં આવશે.

પોરબંદર જિલ્લામાં ૪ જુલાઇ સુધી સભા સરઘસ બંધી

પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પ્રવર્તમાન સ્થિતિ અને સભા, સરદ્યસ, ધરણા, અને વિરોધ પ્રદર્શન સંદર્ભે અગમચેતીના પગલા રૂપે પોલીસ અધિક્ષક પોરબંદર તરફથી જાહેરનામાની દરખાસ્ત આવેલી છે. આ સંદર્ભે પોરબંદર જિલ્લામાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એમ.એચ.જોષીએ તા.૨૧/૦૬/૨૦૧૯ થી તા.૦૪/૦૭/૨૦૧૯ સુધી સમગ્ર પોરબંદર જિલ્લા વિસ્તારમાં   કોઇપણ સભા, મંડળી, સરઘસ માટે મનાઇ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે. આ હુકમ ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષક મંડળી, સરકારની નોકરીએ અવર જવર કરતી હોય તેવી વ્યકિત, લગ્નનો વરદ્યોડો, સરકારશ્રી દ્વારા યોજવામાં આવતા કાર્યક્રમો તેમજ પરવાનગી લઇને કાઢેલા સરઘસ સહિતના કાર્યક્રમોને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર સામે દંડ અથવા સાદી કેદની કાર્યવાહી કરાશે.

(11:39 am IST)