News of Thursday, 20th June 2019
સુરેન્દ્રનગર ખાતે લદ્યુમતી આયોગના સભ્યશ્રી સુનિલ સીંધીના અધ્યક્ષસ્થાને વડાપ્રધાનશ્રીના લદ્યુમતી કલ્યાણ માટેના ૧૫ મુદ્દા કાર્યક્રમ અન્વયે જિલ્લાના સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં લદ્યુમતી આયોગના સભ્યશ્રી સુનિલ સીંધી ઉપસ્થિત અધિકારીશ્રીઓને લદ્યુમતી સમાજ માટેની સરકારશ્રીની વિવિધ યોજનાઓ બાબતે લદ્યુમતી સમાજમાં જાગૃતિ કેળવાય અને લદ્યુમતી કલ્યાણ માટેની સરકારની કટિબધ્ધતા સાચા અર્થમાં ચરિતાર્થ થાય તે માટેના સંનિષ્ઠ પ્રયાસો કરવા અનુરોધ કરતાં જણાવ્યું હતુ કે, કેન્દ્ર સરકાર દ્વારા લદ્યુમતી સમાજના લોકોના કલ્યાણ માટેના ૧૫ મુદ્દા કાર્યક્રમની સાથે અનેકવિધ યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી છે. જેનો લાભ આ જિલ્લાના વધુમાં વધુ લોકોને મળે તે માટે સૌએ સહિયારા પ્રયાસો કરવા જોઈએ.
તેમણે આ તકે લદ્યુમતી સમાજમાં જાગૃતિ આવે અને વધુને વધુ લાભાર્થીઓ સરકારની આ યોજનાઓના લાભ લઈ શકે તે માટે જિલ્લામાં જાગૃતિ કેમ્પનું આયોજન કરવા પણ જણાવ્યું હતુ. સભ્યશ્રી જિલ્લામાં થયેલ લદ્યુમતી કલ્યાણ યોજનાઓની કામગીરીથી વાકેફ થઈ બિરદાવી હતી.
આ બેઠકમાં લદ્યુમતી કલ્યાણ યોજનાઓ અંતર્ગત જિલ્લામાં જુદા-જુદા વિભાગો દ્વારા આપવામાં આવેલ લાભોની વિસ્તૃત વિગતો રજુ કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી કે.રાજેશ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજેશકુમાર રાજયગુરૂ, પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા, સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકાના પ્રમુખશ્રી વિપીન ટોળીયા, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી બી.ટી. ભાલાળા તેમજ સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ તથા લદ્યુમતી સમાજના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.