Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

મુન્દ્રાઃ ફિલિપ્સ કાર્બન કંપનીમાં બોઇલર ફાટતાં ૩ મજૂરો દાઝયા

ભુજ, તા.૨૦:  કચ્છમાં ખાનગી કંપનીઓમાં કામ કરતા શ્રમિક કામદારોની જિંદગીની જાણે માલિકો અને મેનેજમેન્ટને કોઈ કિંમત નથી એવી આઘાતજનક પરિસ્થિતિ છે.

ભલે ગુજરાત સરકાર માનવ અધિકાર અથવા તો માનવ સન્માનની વાત કરે પણ કચ્છમાં અવારનવાર બનતા અકસ્માતો દરમ્યાન એવો અહેસાસ થતો રહે છે કે, ખાનગી કંપનીઓની વાસ્તવિક પરિસ્થિતિ એકદમ વિપરીત છે. મુન્દ્રાના મોખા ગામે આવેલ ફિલિપ્સ કાર્બન કંપનીનું ગઈકાલે બોઇલર ફાટતાં ત્રણ કામદારો દાઝી ગયા હતા. દાઝેલા ત્રણેય કામદારોની હાલત અને બોઇલર ફાટવાને કારણે કામદારો ઉપર ઉડેલા ગરમાગરમ પાણીની આ ગંભીર દ્યટનાને ફિલિપ્સ કાર્બન કંપનીએ છુપાવી હતી.

જોકે, અત્યારે તો ત્રણેય કામદારોની હાલત સુધારા પર છે. પણ, આ દ્યટના બાદ કામદારોએ આક્ષેપ કર્યો હતો કે, અવારનવાર થતા નાના મોટા અકસ્માતોમાં કામદારો ઇજાગ્રસ્ત થાય છે, પણ કંપની મેનેજમેન્ટ આવા બનાવોને દબાવી દે છે. ગઈકાલના બ્લાસ્ટના સમાચાર બાદ ફિલિપ્સ કાર્બન કંપનીના જવાબદારોના ફોન બંધ આવતા હતા. જોકે, ઘટના બાદ પોલીસને જાણ કરાઈ હતી પરંતુ પોલીસ પાસે પણ પૂરતી વિગતો નહોતી.

(11:36 am IST)