Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

પોરબંદરની એમ.ઈ.એમ. સ્કૂલ બિલ્ડીંગની જર્જરિત હાલતઃ મેદાનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ

નગરપાલિકા સંચાલિત સ્કૂલ સરકારને સોંપ્યા બાદ કથળતો વહીવટ : સ્કૂલની લોબીમાં કૂતરા અને ખૂંટીયાના આંટાફેરાઃ ૯૦૦ વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ

પોરબંદર, તા. ૨૦ :. નગરપાલિકા સંચાલિત એમ.ઈ.એમ. સ્કૂલને સરકારને સોંપી દીધા બાદ વહીવટ વધુ કથળતો જાય છે. સ્કૂલમાં સમયસર મરામત કરવા સહિત બાબતો ઉપર ધ્યાન અપાતુ નથી તેવી ફરીયાદો ઉઠી છે.

સ્કૂલના બિલ્ડીંગની હાલત જર્જરીત થઈ છે. કેટલાક રૂમની હાલત વધુ ખરાબ બનતા તાળા મારી દેવામાં આવ્યા છે. સ્લેબ તૂટી ગયેલ છે. પોપડા ખરે છે. લોબીમાં કૂતરા અને ખૂંટીયા આંટાફેરા કરે છે. જેના કારણે વિદ્યાર્થીઓને આકરા તાપમાં મેદાનમાં બેસાડીને અભ્યાસ કરાવવો પડે છે. સ્કૂલના ૯૦૦ વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ જણાય રહ્યુ છે.

નગરપાલિકા સંચાલિત સ્કૂલનો વહીવટ સરકારને સોંપતા પહેલા સ્કૂલના બિલ્ડીંગનું જવાબદારે નિરીક્ષણ કરવુ જોઈએ. નગરપાલિકા દ્વારા અગાઉ સ્કૂલના રીપેરીંગ માટે ઠરાવો પસાર કર્યા હતા. તે મુજબ કામગીરી અંગે જવાબદારોને પુછતા સંતોષકારક જવાબો મળ્યા નહોતા. ચોમાસુ નજીક આવી ગયુ છે ત્યારે આ સ્કૂલમાં વહેલી તકે રીપેરીંગ કરવા માગણી ઉઠી છે.

(12:54 pm IST)