Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

જામજોધપુર તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિભાબેન કાલરીયા સામે ખોટા લેટરપેડ બનાવી રાજીનામા પત્રો રજુ કર્યાની ફરીયાદ

જામજોધપુર તા.૨૦: જામજોધપુર પોલીસ સ્ટેશનમાં તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ અને કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયાના માતા પ્રતિભાબેન કાલરીયા સામે ફરીયાદ થતાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. લેટરપેડનો ઉપયોગ કરીને સભ્યોની ખોટી સહી કરીને રાજીનામુ રજુ કર્યાનો ઉલ્લેખ કરાતા ખળભળાટ મચી ગયો છે.

આ અંગેે ફરીયાદી ગોવિંદભાઇ મેઘાભાઇ વારગીયા (રહે. સડોદર, તા. જામજોધપુર) દ્વારા જામજોધપુર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિભાબેન રમેશભાઇ કાલરીયા સહિતના સામે ફરીયાદ કરીને જણાવ્યું છે કે, તેઓ જામજોધપુરના સદસ્ય હોય અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે તથા હોદાનો ઉપયોગ કરીને ખોટા લેટરપેડ બનાવીને રાજીનામાની ખોટી અરજી કરતા તેની સામે ગુન્હો નોંધવા માંગણી કરી છે.

આ ઉપરાંત મંછાબેન ભીખાભાઇ બાબરીયાએ પણ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં પ્રતિભાબેન રમેશભાઇ કાલરીયા સહિતની સામે ફરીયાદ કરી છે. આ અંગે જામજોધપુર પોલીસે કલમ ૧૨૦ બી, ૪૬૫, ૪૭૧ મુજબ ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

(11:51 am IST)